Pegasus case:કોર્ટનું કેન્દ્ર સામે કડક વલણ, કહ્યું- `આખરે સરકાર કરી શું રહી છે?`

13 September, 2021 02:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે સુપ્રિમ કોર્ટે પેગાસસ મામલે સુનાવણી કરી છે. સુનવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તે આ મામલે એફિડેવિટ દાખલ કરશે નહીં.

સુપ્રિમ કોર્ટ

સોમવારે એટલે કે આજે સુપ્રિમ કોર્ટે પેગાસસ મામલે સુનાવણી કરી છે. સુનવણીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તે આ મામલે એફિડેવિટ દાખલ કરશે નહીં. જેનું કારણ જણાવતાં કેન્દ્રએ કહ્યું કે આવા મામલોમાં એફિડેવિટ દાખલ કરી શકાતી નથી. પરંતુ જાસુસીના આક્ષેપોની તપાસ માટે એક પેનલનું ગઠન કરી શકાય. જો કે, હાલમાં કોર્ટે નિર્ણય મોકુફ રાખ્યો છે. કોર્ટ દ્વારા આગામી 2-3 દિવસોમાં આ મામલે કઈંક આદેશ આપવામાં આવશે.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમણાએ કડકાઈ વર્તી હતી. તેમણે કહ્યું હતું કે કોર્ટ જાણવા માગે છે કે આખરે સરકાર આ મામલે કરી શું રહી છે? જો કે, આ પહેલા સરકારે સુનાવણી દરમિયાન એફિડેવિટ દાખલ કરવા માટે થોડો સમય માગ્યો હતો,અને હવે સીધી સ્પષ્ટ ના પાડી રહી છે.  

પેગાસસ મામલે સુનાવણીના અંતમાં કોર્ટે નિર્ણય મોકુફ રાખ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પેગાસસ મામલે SITનું ગઠન થશે અથવા તો ન્યાયિક તપાસ થશે એ અંગે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. આગામી 2-3 દિવસોમાં આ મામલે કોઈ નિર્ણય લેવાશે. કોર્ટે ફરી કેન્દ્ર સરકારને કહ્યું કે તેમણે હજી ફરી એક વાર એફિડેવિટ દાખલ કરવા પર વિચાર કરવો જોઈએ. 

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, જાસુસી માટે કોઈ ખાસ સૉફ્ટવેરનો ઉપયોગ થયો કે નહીં તે પબ્લિક ડોમેનનો મામલો નથી. આ મામલાની સ્વતંત્ર ડોમેન વિશેષજ્ઞોની એક સમિતિ દ્વારા તપાસ કરી શકાય અને તેને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી શકાય. 

સુપ્રિમ કોર્ટે પેગાસસ મામલે કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી. CJI(chief justice of india)રમણાએ કહ્યું કે તમે ફરી ફરીને એ મુદ્દા પર પાછા આવો છો. અમે જાણવા માંગીએ છીએ કે આખરે સરકાર કરી શું રહી છે?  સરકારના પબ્લિક ડોમેનવાળા તર્ક પર કોર્ટે કહ્યું કે અમે રાષ્ટ્રીય હિતના મુદ્દા પર નથી જઈ રહ્યાં, અમારી ચિંતા સિમિત લોકો પુરતી જ છે. આ ઉપરાંત સરકારની સમિતિ બનાવવાની વાત પર કોર્ટે કહ્યું કે સમિતિની નિયુક્તિ કોઈ મુદ્દો નથી. એફિડેવિટનો ઉદ્ધેશ એક જ છે કે આ મામલે સરકાર ક્યાં ઉભી છે તે ખબર પડે. 

national news supreme court