કેકમાં વધુ પડતા સૅકરીનના લેવલના કારણે થયું હતું બર્થ-ડે ગર્લનું મૃત્યુ

23 April, 2024 08:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેક ખાઈને મૃત્યુ પામેલી ટીનેજરના કેસમાં લૅબોરેટરીના રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

માનવી નામની ટીનેજર

પંજાબના પટિયાલા શહેરમાં જન્મદિવસ પર કેક ખાઈને મૃત્યુ પામેલી માનવી નામની ટીનેજરના કેસમાં હવે જાણવા મળ્યું છે કે કેકમાં આર્ટિફિશ્યલ સ્વીટનર સૅકરીનની માત્રા વધારે પ્રમાણમાં હતી, જેના કારણે આ ઘટના બની છે. પંજાબ પોલીસે આ કેક બનાવનારી બેકરીના માલિક સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે અને તેને દંડ પણ કરવામાં આવશે. આ સિવાય બેકરી સામે પણ પગલાં લેવામાં આવશે. ૨૪ માર્ચે આ છોકરીનો જન્મદિવસ હતો અને પરિવારે કેક માટે ઑનલાઇન ઑર્ડર કર્યો હતો. કેક ખાધા બાદ પરિવારજનોને ઊલટી થવા લાગી હતી અને જેનો જન્મદિવસ હતો તે માનવીની હાલત વધારે બગડી હતી અને હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. 

આ કેસમાં અધિકારીઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે બર્થ-ડે વખતે કાપવામાં આવેલી ચૉકલેટ કેકના ટુકડાનું લૅબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ હતી કે કેક સૅકરીનના હાઈ કૉન્સન્ટ્રેશનથી બેક કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિજય જિંદલે કહ્યું હતું કે ‘વધુ પડતા સૅકરિનના કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ એકાએક વધી જાય છે જે જીવલેણ સાબિત થાય છે. કોલ્ડ ડ્રિન્ક્સમાં થોડી માત્રામાં સૅકરીનનો ઉપયોગ થાય છે.’

national news punjab