તામિલનાડુમાં DMK સરકારના ચૂંટણીઢંઢેરામાં મહિલાઓને લહાણી

31 March, 2026 09:34 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ઑલરેડી ૧.૩૭ કરોડ મહિલાઓને મહિને ૧૦૦૦ રૂપિયા મળે છે, જે વધારીને ૨૦૦૦ કરવાનો વાયદો કર્યો. ચૂંટણી જીતશે તો ઘરની રાણીને ૮૦૦૦ રૂપિયાની કૂપન આપશે

ડાયરેક્ટ પૈસાની લહાણી ઉપરાંત DMKએ હેલ્થ ઇન્શ્યૉરન્સની સીમાને વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરવાનું વચન આપ્યું છે. 

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીમાં જીત મેળવવા માટે મહિલાઓને લહાણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. હાલમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાથી છે ત્યાં પણ આ ટ્રેન્ડ હજી બરકરાર છે. તામિલનાડુમાં સત્તા પર બેઠેલી દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) સરકાર ઑલરેડી ૧.૩૭ કરોડ મહિલાઓને મહિને ૧૦૦૦ રૂપિયા આપે છે. તેમણે નવા ચૂંટણીઢંઢેરામાં એ રકમ વધારીને ૨૦૦૦ રૂપિયા કરવાનો વાયદો કર્યો છે. એ ઉપરાંત DMKએ ચૂંટણી જીત્યા પછી પરિવારની મુખ્ય એક મહિલાને ૮૦૦૦ રૂપિયાની ‘ઇલ્લથરસી’ કૂપન આપવાનું વચન આપ્યું છે. ઇલ્લથરસીનો મતલબ થાય ઘરની રાણી. આ કૂપન મહિલાઓ ટીવી, ફ્રીજ, વૉશિંગ મશીન જેવા ઘરેલુ ઇલેક્ટ્રૉનિક સામાન ખરીદવામાં વાપરી શકશે. મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપોને પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન અને વિધવાઓ તેમ જ ૫૦ વર્ષથી મોટી વયની અવિવાહિત મહિલાઓને દર મહિને ૨૦૦૦ રૂપિયાનું પેન્શન આપવાનું વચન પણ આપ્યું છે. ડાયરેક્ટ પૈસાની લહાણી ઉપરાંત DMKએ હેલ્થ ઇન્શ્યૉરન્સની સીમાને વધારીને ૧૦ લાખ રૂપિયા સુધીની કરવાનું વચન આપ્યું છે. 

AIADMK પણ રેવડી વહેંચશે 

સરકાર ઉપરાંત ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (AIADMK) પાર્ટીએ પણ ૨.૨૨ કરોડ રૅશનકાર્ડધારકોને રેફ્રિજરેટર આપવાનું વચન આપ્યું છે. પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં ૧૦ હજાર રૂપિયા રોકડ અને મહિલાઓની સાથે પુરુષોને પણ મફતમાં બસયાત્રા કરાવવાનું વચન આપ્યું છે.

national news india tamil nadu political news dmk indian politics