Tamil Nadu News: ટ્રેન સાથે અથડાઇ સ્કૂલ વૅન- ત્રણ ભૂલકાંઓના જીવ ગયા

08 July, 2025 02:29 PM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

Tamil Nadu News: આજે સવારે ૭.૪૫ના રોજ કડલોર અને આલપ્પક્કમની વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ પાસે આ દુર્ઘટના બની હતી.

રેલવે ટ્રેક પાસે સ્કૂલ વૅનના કાટમાળ નજીક લોકો એકઠાં થઈ ગયા છે. (તસવીર સૌજન્ય- પીટીઆઈ)

તમિલનાડુમાંથી દર્દનાક સમાચાર (Tamil Nadu News) મળી રહ્યા છે. અહીં કડલોર જિલ્લામાં આજે રેલવે ક્રોસિંગ પાસે બાળકોને લઈ જતી સ્કૂલ વૅન પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જેને કારણે ત્રણ બાળકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં બીજા અનેક બાળકોને ઇજાઓ પહોંચી છે. આજે સવારે ૭.૪૫ના રોજ કડલોર અને આલપ્પક્કમની વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ પાસે આ દુર્ઘટના બની હતી. 

રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના (Tamil Nadu News)માં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યા છે અને અન્ય બે બાળકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સ્કૂલ વૅન રેલવે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ચિદમ્બરમ જતી પેસેન્જર ટ્રેનની જોરદાર ટક્કર વાગી હતી. જેને કારણે સ્કૂલ વૅન લગભગ 50 મીટર દૂર જઈને ફંગોળાઈ હતી. વૅનમાં સ્કૂલમાં ભણતા બાળકો સવાર હતા. એક્સિડન્ટ બાદ ઇજાગ્રસ્ત બાળકો અને ડ્રાઈવરને તાત્કાલિક કુડ્ડાલોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. ડોક્ટરોએ એમ પણ કહ્યું છે કે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે એમ છે.

સ્થાનિકો અને રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વૅન ચાલકની બેદરકારીને કારણે આ એક્સિડન્ટ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે વૅનના ડ્રાઇવરે સામેથી ટ્રેનને આવતા જોઈ હતી, છતાં પણ ઉતાવળમાં ટ્રેક પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉતાવળમાં જ વૅન અથડાઇ હતી. રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને જિલ્લા વહીવટીતંત્રે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને જવાબદારોને સજા કરવા માટે તપાસ આદરી છે.

પીડિત પરિવાર માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી

મુખ્યમંત્રી સ્ટાલિન દ્વારા પણ આ કરુણાંતિકા (Tamil Nadu News) પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. "હું સવારે કુડ્ડાલોર જિલ્લાના સેમ્મનગુપ્પમ ખાતે થયેલા ભયંકર ટ્રેન અકસ્માતમાં બાળકોના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. ભૂલકાંઓના મોતના સમાચાર ખરેખર અત્યંત દુઃખદ છે." આ સાથે જ તેઓએ પીડિતોના પરિવાર માટે આર્થિક સહાયની ઘોષણા પણ કરી છે. તેમણે અધિકારીઓને અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને શ્રેષ્ઠ શક્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશો આપ્યા હતા. આ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ અને સારવાર લઈ રહેલા લોકોને એકએક લાખ રૂપિયા અને નાની ઇજાઓ પામેલા પીડિતોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

આ એક્સિડન્ટ (Tamil Nadu News) બાદ રેલવે ક્રોસિંગ પર મોટી સંખ્યામાં લોકો જમા થઈ ગયા હતા. સાથે જ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. લોકોએ શાળાઓની નજીક કડક સુરક્ષા પગલાં લેવાની માંગ કરી છે. લોકોના રોષને ઠંડો પાડતાં અધિકારીઓએ એવી ખાતરી આપી હતી કે તપાસ બાદ જે રિપોર્ટ આવશે એના આધારે સઘન કાર્યવાહી કરવામાં આવશે. રેલવે પોલીસ, અધિકારીઓ અને રાજ્યની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

national news india tamil nadu Crime News train accident