20 April, 2025 11:59 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
એમ. કે. સ્ટૅલિન
તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને તાજેતરમાં તિરુવલ્લુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સામે પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘અમિત શાહ દાવો કરી રહ્યા છે કે ૨૦૨૬માં તેઓ તામિલનાડુમાં સરકાર બનાવશે, પણ હું તેમને પડકાર ફેંકી રહ્યો છું કે તામિલનાડુ ક્યારે પણ દિલ્હીના વહીવટ સામે ઝૂકશે નહીં. તામિલનાડુ હંમેશાં દિલ્હીના નિયંત્રણની બહાર રહ્યું છે. ફક્ત અમિત શાહ નહીં, કોઈ પણ શાહ રાજ્ય પર શાસન નહીં કરી શકે. તમારી પાસે વિશિષ્ટતા છે કે અન્ય રાજ્યોમાં તમે પાર્ટીઓ તોડીને અને દરોડા પાડીને સરકાર બનાવો છો, પણ આ ફૉર્મ્યુલા તામિલનાડુમાં કામ નહીં કરે.’
ભાષાનો મુદ્દો હોય કે કેન્દ્રીય સહાયની વાત હોય, સ્ટૅલિન હાલમાં કેન્દ્ર સરકાર સામે બાથ ભીડી રહ્યા છે અને કેન્દ્ર પર પ્રહારો કરી રહ્યા છે. ૨૦૨૬માં તામિલનાડુમાં રાજ્ય વિધાનસભા માટે ચૂંટણી યોજાવાની છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝઘમ (AIADMK) સાથે ગઠબંધન બનાવ્યું છે.
રાજ્યમાં હિન્દી લાદવાના મુદ્દે અમિત શાહ પર પ્રહાર કરતાં સ્ટૅલિને વધુમાં કહ્યું હતું કે ‘તમે રાજ્યમાં હિન્દી નહીં લાદો એની ખાતરી આપી શકો છો? તમે નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં મુક્તિ આપવાની ખાતરી આપી શકો છો? તમે તામિલનાડુને ખાસ ભંડોળની જાહેરાત કરી શકો છો? તમે ખાતરી આપી શકો છો કે સીમાંકન બાદ રાજ્યમાં લોકસભાની સીટો ઓછી નહીં થાય? તમે રાજ્યના લોકોને યોગ્ય જવાબ કેમ આપતા નથી?’