10 December, 2025 10:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી મેટ્રો
દિલ્હી મેટ્રોમાં વારંવાર પાટા સામે કૂદીને અથવા પાટા પર આવીને આત્મહત્યા કરવાના પ્રયાસોના બનાવો જોવા મળ્યા છે. આવી પરિસ્થિતિમાં ટ્રેનને તાત્કાલિક રોકવી મુશ્કેલ બને છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે. આ સમસ્યાને ઉકેલવા માટે દિલ્હી મેટ્રો રેલવે કૉર્પોરેશન (DMRC) હવે અત્યાધુનિક ટેક્નૉલૉજી લાવવા જઈ રહ્યું છે. આનાથી મેટ્રો ટ્રેન અવરોધ જોઈને એકાએક આપમેળે અટકી જશે. આ ટેક્નૉલૉજી મુસાફરોની સલામતીને વધુ મજબૂત બનાવશે અને આવા અકસ્માતોને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
DMRCએ હેદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ના ટેક્નૉલૉજી ઇનોવેશન હબ ફૉર ઑટોનોમસ નૅવિગેશન (TiHAN) સાથે એક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ મેટ્રો ટ્રેનો માટે આગામી પેઢીની ઑટોનોમસ નૅવિગેશન ટેક્નૉલૉજી વિકસાવવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અચાનક ટ્રૅક પર કૂદી પડે અથવા ટ્રેનની સામે કોઈ અવરોધ આવે તો આ ટેક્નૉલૉજી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેશે.