24 October, 2025 08:28 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પટનામાં મહાગઠબંધનની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન RJDના તેજસ્વી યાદવ, કૉન્ગ્રેસના અશોક ગેહલોટ, VIPના મુકેશ સાહની અને CPIMLના દીપંકર ભટ્ટાચાર્ય.
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં પટનામાં વિરોધી પક્ષોના મહાગઠબંધને ગઈ કાલે મોટી જાહેરાત કરી હતી. પાછલા દિવસોથી બિહારમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દલ (RJD) સહિતના સાથી પક્ષો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો એટલે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટ પટના પહોંચ્યા હતા. અહીં તેમણે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને RJDના નેતા તેજસ્વી યાદવને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ પ્રેસ-કૉન્ફરન્સમાં અશોક ગેહલોટે એવી પણ જાહેરાત કરી હતી કે મુખ્ય પ્રધાન ઉપરાંત બે નાયબ મુખ્ય પ્રધાન પણ હશે, જેમાંથી એકના નામ પર સહમતી બની ગઈ છે. વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ના મુકેશ સાહનીને તેમણે નાયબ મુખ્ય પ્રધાનના પદ માટેના ઉમેદવાર જાહેર કર્યા હતા. કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા - માર્કસિસ્ટ-લેનિનિસ્ટ (CPIML)ના નેતા પણ આ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
આ સરકારને ઉખાડી ફેંકીશું : તેજસ્વી યાદવ
સત્તાવાર રીતે બિહારમાં મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા પછી તેજસ્વી યાદવે કહ્યું હતું કે ‘અમે લોકોના ભરોસા પર ખરા ઊતરીશું. આ નકામી સરકારને ઉખાડી ફેંકીશું અને બિહારના લોકોને વિકાસ તથા ન્યાય અપાવીશું.’
તેજસ્વીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દલ યુનાઇટેડ (JDU) પર આ પ્રસંગે તીખા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન માટે અમે તો સત્તાવાર ચહેરો જાહેર કરી દીધો. નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના નેતાઓએ હજી કોઈ જાહેરાત નથી કરી. નીતીશકુમારના નામની ઘોષણા પણ નથી કરી.’