19 January, 2026 10:28 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેલંગણના કરીમનગર જિલ્લામાં પોલીસે આરેપલ્લી વિસ્તારમાંથી એક દંપતીની હનીટ્રૅપ અને બ્લૅકમેઇલિંગ નેટવર્ક ચલાવવા બદલ ધરપકડ કરી છે. દેવામાંથી બહાર નીકળવા અને વૈભવી જીવન જીવવા માટે દંપતીએ નૈતિકતાનું ઉલ્લંઘન કર્યું હતું અને લગભગ ૧૫૦૦ પુરુષોને ફસાવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની પત્ની ઇન્સ્ટાગ્રામ પર ‘લલીડિમ્પલક્વીન’ અને યુટ્યુબ પર ‘કરીમનગર પિલ્લા 143’ જેવા હૅન્ડલનો ઉપયોગ કરીને પુરુષોને લલચાવતી હતી. તે પુરુષોને લલચાવવા માટે મીઠા શબ્દો અને ગ્લૅમરસ ફોટોનો ઉપયોગ કરતી હતી અને પછી તેમને તેની રૂમમાં બોલાવતી હતી. આરોપી મહિલાએ લગભગ ૧૦૦ પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સમયે તેનો પતિ ગુપ્ત રીતે વિડિયો-રેકૉર્ડિંગ કરતો હતો. આ વિડિયોનો ઉપયોગ પાછળથી પુરુષોને બ્લૅકમેઇલ કરવા અને તેમની પાસેથી મોટી રકમ પડાવવા માટે કરવામાં આવ્યો હતો.
બ્લૅકમેઇલિંગના પૈસાથી જમીન ખરીદી
આ ગેરકાયદે ધંધામાંથી મળેલાં નાણાંથી દંપતી રાતોરાત ધનવાન બની ગયું હતું અને આ પૈસાનો ઉપયોગ કરીને તેમણે આરેપલ્લીમાં ૬૫ લાખ રૂપિયાનો જમીનનો પ્લૉટ તથા ૧૦ લાખ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી હતી અને લાખો રૂપિયાનું મોંઘું ફર્નિચર લાવીને પોતાના ઘરને સજાવ્યું હતું. તેમણે આ બધું થોડા મહિનામાં જ પ્રાપ્ત કર્યું હતું.
લૉરીના બિઝનેસમૅને હિંમત બતાવી
કરીમનગરના લૉરીના એક બિઝનેસમૅને હિંમત બતાવી ત્યારે આ નાપાક ષડ્યંત્રનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ બ્લૅકમેઇલ કરીને તેની પાસેથી પહેલેથી જ ૧૩ લાખ રૂપિયા પડાવી ચૂક્યા હતા. જ્યારે દંપતીનો લોભ વધી ગયો અને તેમણે વિડિયો વાઇરલ કરવાની અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપીને બીજા પાંચ લાખ રૂપિયાની માગણી કરી ત્યારે વેપારીએ પોલીસની મદદ માગી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને દંપતીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ગુનાહિત વિડિયોવાળા મોબાઇલ ફોન, રોકડ રકમ અને ઘણા બ્લૅન્ક ચેક મળી આવ્યાં હતાં.