29 October, 2025 07:13 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
કર્ણાટકના બૅંગલુરુમાં બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક વ્યક્તિએ સ્થાનિક મંદિરમાં ઘૂસીને હંગામો મચાવ્યો, જેના કારણે વિસ્તારમાં મોટા પ્રમાણમાં અરાજકતા ફેલાઈ હતી. પોલીસે જણાવ્યું કે મંદિરના ગર્ભગૃહની બહાર રાખેલી મૂર્તિને તોડવા બદલ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ 45 વર્ષીય કબીર મંડલ તરીકે થઈ છે, જે બાંગ્લાદેશી નાગરિક હોવાનું કહેવાય છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મંદિરના કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તેને પકડીને માર માર્યો, અને હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સવારે મરાઠાહલ્લી નજીક દેવરાબિસનહલ્લીના વેણુગોપાલ મંદિરમાં બની હતી.
મંદિરનો નાશ કરવાની ધમકી આપવામાં આવી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી દારૂના નશામાં ‘અલ્લાહ હુ અકબર’ ના નારા લગાવતો મંદિરમાં ઘૂસી ગયો. અહેવાલો અનુસાર, તેણે કથિત રીતે મંદિરના પ્રવેશદ્વાર પરની મૂર્તિઓ પર તેના જૂતાથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને જણાવ્યું, "તે `અલ્લાહ હુ અકબર` ના નારા લગાવતા મંદિરમાં પ્રવેશ્યો અને તેના જૂતાથી મૂર્તિઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ સાથે તેણે મંદિરનો નાશ કરવાની ધમકી પણ આપી."
આરોપી મોચીનું કામ કરે છે.
અધિકારીએ જણાવ્યું કે મંદિરના કર્મચારીઓ અને ભક્તોએ તેને પકડી લીધો, મંદિર પરિસરની બહાર એક થાંભલા સાથે બાંધી દીધો અને પોલીસને સોંપતા પહેલા તેને ખૂબ માર માર્યો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ વિસ્તારમાં મોચીનું કામ કરી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
પુણેના શનિવારવાડામાં નમાઝ વિવાદ
પુણે શહેરના ઐતિહાસિક શનિવારવાડામાં મુસ્લિમ મહિલાઓ સામૂહિક નમાજ અદા કરતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાજપના રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીએ આ વીડિયો શેર કર્યો હતો. કેટલાક હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો અને વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં, કુલકર્ણીએ તો શનિવારવાડાની બાજુમાં આવેલી કબરને દૂર કરવાની પણ માગ કરી. સાંસદ મેધા કુલકર્ણીએ પોતે આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સોમવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ તેઓ અનેક હિન્દુત્વ સંગઠનોના કાર્યકરો સાથે શનિવારવાડામાં પ્રવેશ્યા હતા. તેમણે જ્યાં મુસ્લિમ મહિલાઓએ નમાજ અદા કરી હતી તે સ્થળને ગૌમૂત્ર છાંટીને અને તેને ગાયના છાણથી લિપિને શુદ્ધ કર્યું હતું. આ પ્રસંગે મેધા કુલકર્ણીએ કહ્યું, “શનિવારવાડા એક ઐતિહાસિક રચના છે અને મુસ્લિમ મહિલાઓ માટે અહીં નમાજ અદા કરવી અસ્વીકાર્ય છે. જો તમે નમાજ અદા કરવા માંગતા હો, તો ઘરે જાઓ, ભવિષ્યમાં આવી બાબતો સહન કરવામાં આવશે નહીં. પોલીસે અહીં નમાજ અદા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. ઉપરાંત, આ શનિવારવાડાની બાજુમાં આવેલી કબર પણ દૂર કરવી જોઈએ, નહીં તો આગામી સમયમાં અમે અમારી શૈલીમાં તે કબર દૂર કરીશું,” કુલકર્ણીએ કહ્યું.