22 April, 2025 10:02 PM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
દક્ષિણ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં અનેક લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મૃતકોની સંખ્યાની માહિતી મેળવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા કોઈપણ હુમલામાં આ સૌથી મોટો હુમલો છે.
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે તે સમયે હાહાકાર મચ્યો, જ્યારે બેસરાણ વિસ્તારમાં આતંકવાદીએ એકાએક શ્રદ્ધાળુઓ પર ફાયરિંગ શરૂ કરી દીધી. આ દુખદ હુમલામાં બેના મોત નીપજ્યા છે, જ્યારે 20 ઇજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોમાં અનેક પર્યટકો અને સ્થાનિકો પણ સામેલ છે. એક ચક્ષુદર્શીએ આ ઘટનાનો મંજર વર્ણવ્યો છે.
આતંકવાદીએ કહ્યું- મુસ્લિમ નથી લાગતા
આતંકવાદી હુમલાનો ખૂબ જ હ્રદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. મહિલા વીડિયોમાં કહી રહી છે, "હું અને મારા પતિ એક જગ્યાએ શાંતિથી બેસીને ભેલ ખાઈ રહ્યાં હતાં, ત્યારે ત્યાં કેટલાક આતંકવાદીઓ આવી પહોંચ્યાય તેમણે અમને જોયા અને કહ્યું કે આ લોકો મુસ્લિમ નથી લાગતા, આને મારી નાખો. અને તેમણે મારા પતિને ગોળી મારી દીધી." એક અન્ય મહિલા રડતાં રડતાં કહી રહી હતી કે, "મારા પતિને બચાવી લો, તે જમીન પર પડ્યા છે." અન્ય એક મહિલા પોતાના ઇજાગ્રસ્ત પતિને ખુરશી પર સાચવતા મદદ માટે પોકારી રહી હતી, "પ્લીઝ, મારી મદદ કરો, આમને ગોળી વાગી છે."
જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ કહ્યું કે મૃતકોની સંખ્યાની માહિતી મેળવવામાં આવી રહી છે. તેમણે એક્સ પર કહ્યું કે, "આ હુમલા હાલના વર્ષોમાં સામાન્ય જનતા પર થયેલા કોઈપણ હુમલાથી ખૂબ જ મોટો છે." હુમલો બપોરે લગભગ ત્રણ વાગ્યે થયો, જ્યારે આતંકવાદી બૈસરન ઘાટીમાં પહાડથી નીચે ઉતર્યા અને ત્યાં પર્યટકો પર ગોળીબાર શરૂ કરી દીધ. આ સ્થળને લીલોતરી અને ઘાસના મેદાનોને કારણે `મિની સ્વિટ્ઝરલેન્ડ` કહેવામાં આવે છે.
વીડિયોમાં લોહીલોહાણ દેખાયા લોકો
આતંકવાદી હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વૅન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસીય ભારતના પ્રવાસે આવ્યા છે. હુમલાની જગ્યાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનેક લોકો લોહીલોહાણ અને જમીન પર બેભાન પડેલા દેખાઈ રહ્યા છે, જ્યારે મહિલા પર્યટકો રડતાં રડતાં પોતાના પ્રિયજનોને શોધી રહી છે. વીડિયોની પ્રમાણિકતાની પુષ્ઠિ થઈ નથી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હું અવિશ્વસનીય રીતે સ્તબ્ધ છું. અમારા આગંતુકો પર આ હુમલો ઘૃણાસ્પદ છે. આ હુમલાના અપરાધી જાનવર, અમાનવીય છે અને ઘૃણાને લાયક છે. આની નિંદા માટે કોઈપણ શબ્દો પૂરતાં નથી. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." તેમણે કહ્યું, "હું તરત શ્રીનગર પાછો આવીશ. મૃતકોની સંખ્યાની માહિતી મેળવવામાં આવી રહી છે, આથી હું વધારે માહિતી નહીં આપી શકું. સ્થિતિ સ્પષ્ટ થતા અધિકારિક રીતે સૂચિત કરવામાં આવશે. આ હુમલો હાલના વર્ષોમાં સામાન્ય લોકો પર થયેલા કોઈપણ હુમલાથી અનેકગણો વધારે છે."
ત્રણ જુલાઈથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા
ઘટના એવા સમયે થઈ છે જ્યાં વર્ષો સુધી આતંકવાદનો સામનો કર્યા બાદ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહી છે. સાથે જ, 38 દિવસીય અમરનાથ તીર્થયાત્રા ત્રણ જુલાઈથી શરૂ થવાની છે. અધિકારીઓએ જણાવ્યું ઇજાગ્રસ્તોને કાઢવા માટે એક હેલીકૉપ્ટર મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે કેટલાક ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો પોતાના ખચ્ચરોં પર ઘાસના મેદાનોથી નીચે લઈ આવ્યા.
પહલગામ હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું હતું કે 12 ઘાયલ પ્રવાસીઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બધાની હાલત સ્થિર છે. હુમલા સમયે ઘટનાસ્થળે હાજર એક મહિલાએ ફોન પર પીટીઆઈને જણાવ્યું હતું કે, "મારા પતિને માથામાં ગોળી વાગી હતી, જ્યારે હુમલામાં સાત અન્ય લોકો પણ ઘાયલ થયા હતા." શરૂઆતના અહેવાલો અનુસાર, આતંકવાદીઓ 1980ના દાયકામાં બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ માટે પ્રખ્યાત સ્થળ બૈસરનની આસપાસના ગાઢ જંગલમાંથી નીકળ્યા હતા.
આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અહીં જણાવ્યું હતું કે શહેરમાં સમાચાર પહોંચ્યા પછી થોડા સમય પહેલા સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ બૈસરન ઘાસના મેદાનોમાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે હુમલાખોરોને શોધવા માટે એક વિશાળ આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સુરક્ષા દળોને બધી દિશામાં તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે પહલગામ રિસોર્ટ, જે આજે બપોર સુધી પ્રવાસીઓથી ભરેલું હતું, તે હુમલા પછી તરત જ નિર્જન થઈ ગયું હતું અને પ્રવાસીઓ તેમની સલામતીના ડરથી સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રવાસીઓ માટે 24/7 ઇમરજન્સી હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે અને હેલ્પલાઇન નંબરો જારી કર્યા છે. અનંતનાગ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મદદ અથવા માહિતીની જરૂર હોય તેવા પ્રવાસીઓને મદદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમ અનંતનાગ ખાતે એક સમર્પિત હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ માટે, બે ફોન નંબર - ૯૫૯૬૭૭૭૬૬૯, ૦૧૯૩૨૨૨૫૮૭૦ અને એક વોટ્સએપ નંબર - ૯૪૧૯૦૫૧૯૪૦ જારી કરવામાં આવ્યા છે.
શ્રીનગર ઇમરજન્સી કંટ્રોલ રૂમ નંબરો: 0194-2457543, 0194-2483651, 7006058623
આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના ઘણા લોકો ઘાયલ થયા
એનસીપી શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુળેએ X પર પોસ્ટ કરીને પુણેના કેટલાક લોકો પાસેથી મદદની અપીલ કરી. તેમણે કહ્યું, “ઉમર અબ્દુલ્લાને વિનંતી છે કે તેઓ આજે પહેલગામ ગોળીબારની ઘટનામાં ઘાયલ થયેલા પુણેના નીચેના લોકોને તાત્કાલિક તબીબી સહાય અને સહાય પૂરી પાડે: આશાવરી જગદાલે, પ્રગતિ જગદાલે, સંતોષ જગદાલે (ગોળીના ઘા), કૌસ્તુભ ગણબોટે (ગોળીના ઘા), અને સંગીતા ગાબોટે, પુણેથી. પરિવારે તેમની સ્થિતિ અંગે સ્પષ્ટતા માંગી છે. તમારા કાર્યક્ષમ અને ઝડપી પ્રતિભાવ બદલ આભાર!”