18 November, 2025 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બાળ ઠાકરેના સ્મારક પર પુષ્પો અર્પણ કરતા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે.
બાળ ઠાકરેની ગઈ કાલે તેરમી પુણ્યતિથિ હતી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં બનાવાયેલા તેમના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. ઉદ્ધવ ઠાકરે સવારે ૧૧.૩૦ વાગ્યે પત્ની રશ્મિ ઠાકરે અને દીકરા આદિત્ય ઠાકરે સાથે શિવાજી પાર્ક પહોંચ્યા હતા. રાજ ઠાકરે પણ એ પછી થોડી વારમાં ત્યાં પહોંચી ગયા હતા. બન્ને ઠાકરેબંધુઓએ એકબીજાનું અભિવાદન કર્યું હતું. છેલ્લા થોડા વખતથી બીમાર રહેલા શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત પણ તેમના ભાઈ અને વિધાનસભ્ય સુનીલ રાઉતનો હાથ પકડીને બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્ક પહોંચ્યા હતા. અનેક શિવસૈનિકો પણ બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા શિવાજી પાર્કમાં આવ્યા હતા.
રાજ ઠાકરેએ ૧૧ વર્ષ પછી શિવાજી પાર્કના સ્મારક પર જઈને બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ ઠાકરેએ રશ્મિ ઠાકરે, આદિત્ય ઠાકરે સાથે વાતચીત પણ કરી હતી. એ વખતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બાળા નાંદગાવકર અને નીતિન સરદેસાઈ પણ હાજર રહ્યા હતા. અડધા કલાક સુધી બન્ને ઠાકરેબંધુઓ સાથે રહ્યા હતા.