તહેવારોમાં ભાડાંમાં વધારો કરી નાખતી ઍરલાઇન્સની મનમાની નહીં ચલાવી લેવાય

18 August, 2026 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે આવી તાકીદ કરીને કેન્દ્ર સરકારને કહ્યું કે ભાડું નક્કી કરવાના નિયમો ૭ દિવસમાં ફાઇનલ કરો, જે કંપની ન માને એનાં વિમાનોને ગ્રાઉન્ડ કરી દો

પ્રતીકાત્મક તસવીર

તહેવારોના સમયગાળામાં મનફાવે એમ વિમાનનાં ભાડાં વધારી દેતી ઍરલાઇનોની મનમાનીને ચલાવી લેવામાં આવે નહીં એમ કહીને સુપ્રીમ કોર્ટે લાલ આંખ બતાવી છે. કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ‘ઇન્ડિયન ઍરક્રાફ્ટ ઍક્ટ 2024 હેઠળ નિયમો બનાવવાનું કામ ઝડપી કરવામાં આવ્યું છે. આ નિયમોનો હેતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવવાનો છે અને એને ૩ સપ્તાહમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.’ 

જોકે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે ‘એને ૭ દિવસમાં પ્રકાશિત કરો. જો ઍરલાઇન્સ એનું પાલન ન કરતી હોય તો એનાં વિમાનોને ગ્રાઉન્ડ કરો.’
સરકારે નિયમોનો મુસદ્દો સીલબંધ પરબીડિયામાં ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ડ્રાફ્ટ પર કેટલીક અંતિમ ચર્ચાઓ ચાલી રહી છે. સરકારે જણાવ્યું હતું કે પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે. આ મામલો ગયા વર્ષે નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
બેન્ચે નોંધ્યું કે કેન્દ્ર સરકારે નિયમોના મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવા માટે ૩ અઠવાડિયાંનો સમય માગ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૭ સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી હતી.
આ મામલો ગયા વર્ષે ૧૭ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સામાજિક કાર્યકર લક્ષ્મીનારાયણન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષો પાસેથી જવાબ માગ્યો હતો. અરજીમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શિતા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત અને સ્વતંત્ર નિયમનકારની માગણી કરવામાં આવી હતી.

અરજીમાં ૪ મુદ્દાનો સમાવેશ
• બધી ખાનગી ઍરલાઇન્સે ઇકૉનૉમી ક્લાસના મુસાફરો માટે મફત ચેક-ઇન સામાનની મર્યાદા પચીસથી ઘટાડીને ૧૫ કિલો કરી છે. અગાઉ ટિકિટમાં સમાવિષ્ટ આ સુવિધા હવે આવકના નવા સ્રોતમાં ફેરવાઈ ગઈ છે.
• નવી નીતિ ચેક-ઇન માટે ફક્ત એક જ બૅગની મંજૂરી આપે છે અને ચેક-ઇન બૅગેજનો ઉપયોગ ન કરતા મુસાફરો માટે કોઈ ડિસ્કાઉન્ટ કે લાભ નથી.
• હાલમાં કોઈ પણ ઑથોરિટીને હવાઈભાડાં કે વધારાના શુલ્કની સમીક્ષા કરવાનો કે એના પરની મર્યાદા નક્કી કરવાનો અધિકાર નથી. આ ઍરલાઇન્સને છુપાયેલા શુલ્ક અને અણધારી કિંમત નિર્ધારણ દ્વારા ગ્રાહકોનું શોષણ કરવાની મંજૂરી આપે છે.
• ઍરલાઇન્સના અનિયંત્રિત વર્તનના પરિણામે મનસ્વી રીતે ભાડાંમાં વધારો કરવામાં આવે છે. ઍરલાઇન્સની સેવા નબળી હોય છે અને ફરિયાદોનો ઉકેલ આવતો નથી.

national news india indian government supreme court directorate general of civil aviation dgca