કૉક્રૉચ જનતા પાર્ટીએ હવે IIT-દિલ્હી સામે ખોલ્યો મોરચો

26 August, 2026 02:31 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ વર્ષમાં ૬૫ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી એ મુદ્દે સંસ્થાની બેદરકારીની તપાસ અને વળતરની માગણી સાથે વિદ્યાર્થીઓએ તમામ ક્લાસનો બહિષ્કાર કર્યો

મંગળવારે IIT-દિલ્હીમાં વિરોધ કરી રહેલા સ્ટુડન્ટ્સ.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-દિલ્હીમાં માસ્ટર ઇન ફીઝિક્સના બીજા વર્ષમાં ભણતા ૩૧ વર્ષના હૃષીકેશ કુમાર નામના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી એ પછી કૅમ્પસમાં ભારે તનાવ ફેલાયો હતો. આ દુઃખદ ઘટના બાદ વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું હતું જેને કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ ટેકો જાહેર કર્યો છે. 

CJPએ વિદ્યાર્થીઓના આ પ્રદર્શનમાં ઝંપલાવ્યું હતું. આશુતોષ રાંકાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૩ વર્ષમાં માત્ર IIT-દિલ્હીમાં ૮ અને પાંચ વર્ષમાં દેશની તમામ IIT સંસ્થાઓમાં ૬૫ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે. પિતાના અવસાન બાદ માનસિક તનાવમાંથી પસાર થઈ રહેલા આ વિદ્યાર્થીને હૉસ્ટેલની ફાળવણી અને યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું.’ 

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ સોમવારથી વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું જે ગઈ કાલે CJPના સપોર્ટ પછી વધુ ઉગ્ર બન્યું હતું. હવે સ્ટુડન્ટ્સે ડીન ઑફ સ્ટુડન્ટ્સ વેલ્ફેર (DOSW)ના રાજીનામાની માગણી કરી છે. આ ઉપરાંત વહીવટી બેદરકારીની નિષ્પક્ષ તપાસની અને વિદ્યાર્થીના પરિવારને ૧ કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ માગણી કરવામાં આવી છે.

કૉક્રૉચ જનતા પાર્ટી પોતાના સમર્થકો અને વૉલન્ટિયરોને ફ્રીમાં કાનૂની સહાય આપશે 

સારા શિક્ષણ માટે અવાજ ઉઠાવતી વખતે કોઈ પજવણી થાય કે હિંસા થાય તો CJPનું રાષ્ટ્રવ્યાપી લીગલ સપોર્ટ નેટવર્ક કરશે મદદ

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ ગઈ કાલે એના સમર્થકો અને વૉલન્ટિયરો માટે રાષ્ટ્રવ્યાપી કાનૂની સહાય પ્લૅટફૉર્મ શરૂ કર્યું છે જેનો હેતુ તેમને હૅરૅસમેન્ટ અથવા હિંસા સામે મદદ કરવાનો છે. CJPએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે જે વૉલન્ટિયરો અને સમર્થકો ઉત્પીડન અને ધાકધમકીનો સામનો કરે છે તેઓ પ્લૅટફૉર્મ દ્વારા સંપર્ક કરી શકે છે અને કાનૂની મદદ મેળવી શકે છે. આ પ્લૅટફૉર્મ પર ક્યારેય કોઈ ફી લેવામાં નહીં આવે. CJPનું લીગલ એઇડ પ્લૅટફૉર્મ હવે લાઇવ છે. જો તમે સારા શિક્ષણ માટે અવાજ ઉઠાવતી વખતે પજવણી, ધાકધમકી અથવા હિંસાનો સામનો કર્યો હોય તો અમારા લીગલ એઇડ પ્લૅટફૉર્મ દ્વારા અમારો સંપર્ક કરો. આ પ્લૅટફૉર્મ રાષ્ટ્રવ્યાપી લીગલ સપોર્ટ નેટવર્ક બનાવવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. હવે કોઈ પણ CJP સમર્થક અથવા વૉલન્ટિયરને એકલા કાનૂની લડાઈનો સામનો કરવો નહીં પડે.’

national news india cockroach janata party Education delhi news new delhi