16 November, 2026 09:40 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસે બંધારણ દિવસ એટલે કે ૨૬ નવેમ્બરે દિલ્હીમાં યોજાનારું પોતાનું મોટું વિરોધ-પ્રદર્શન મોકૂફ રાખ્યું છે. અહેવાલો મુજબ પક્ષે અગાઉ જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ હેઠળ `દિલ્હી ચલો`નું એલાન કર્યું હતું, પરંતુ હવે એણે પોતાની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે. નવા પ્લાનિંગ મુજબ ૨૬ નવેમ્બરે કૉન્ગ્રેસ તમામ રાજ્યોની રાજધાનીઓમાં `સંવિધાન રક્ષા માર્ચ` કાઢશે. દિલ્હીમાં પણ આ માર્ચ યોજાશે, પરંતુ એમાં અગાઉ નક્કી કરાયા મુજબનું મોટું શક્તિપ્રદર્શન નહીં જોવા મળે.
રણનીતિકારોના મતે કૉન્ગ્રેસે આ મુદ્દાને પાયાના સ્તર સુધી પહોંચાડવા માટે દિલ્હીને બદલે રાજ્યો પર ફોકસ કર્યું છે. આગામી થોડા મહિનાઓમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એને ધ્યાનમાં રાખીને પક્ષ ચૂંટણી પહેલાં દરેક રાજ્યમાં રાજકીય માહોલ બનાવવા અને કાર્યકરોને સક્રિય રાખવા માગે છે, જેથી આંદોલનનું મોમેન્ટમ જળવાઈ રહે.
આ ઉપરાંત કૉન્ગ્રેસે બૂથ લેવલે `વોટ રક્ષક` નિયુક્ત કરવાની યોજના બનાવી છે. આ વોટ રક્ષકો દરેક બૂથ પર જઈને એવા લોકોનો સંપર્ક કરશે જેમનાં નામ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમ્યાન કપાઈ ગયાં છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP) અને BJP પહેલેથી જ વોટર લિસ્ટમાં વધુ ને વધુ નામો ઉમેરાવવા માટે ઍક્ટિવ છે ત્યારે હવે કૉન્ગ્રેસ પણ એ જ તર્જ પર પોતાના કાર્યકરોને મતદાર યાદી વિશે સતર્ક કરી રહી છે.