19 September, 2025 09:22 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં ચાલી રહેલી રોપવેની ટ્રાયલ
વડા પ્રધાનનું મતદાનક્ષેત્ર હોવાથી નરેન્દ્ર મોદીએ વારાણસીના વિકાસ માટે અનેક પગલાં લીધાં છે. એમાંથી જે ડ્રીમ-પ્રોજેક્ટ ગણાય છે એ છે અર્બન ટ્રાન્સપોર્ટ રોપવે. લગભગ ૮૦૭ કરોડ રૂપિયાના ખર્ચે સ્વિટ્ઝરલૅન્ડની બાર્થોલેટ નામની કંપની દ્વારા કાશીમાં રોપવેનું નિર્માણ થયું છે. એ કામ હવે પૂરું થવામાં છે. એનો ઉદ્દેશ કાશી આવનારા પ્રવાસીઓ અને ભક્તોને ટ્રાફિકમુક્ત યાત્રા કરવા મળે અને શહેરને પ્રદૂષણથી મુક્તિ મળે એ છે.
જમીનથી ૫૦ મીટરની ઊંચાઈ પર લાગેલા રોપવેની એક ટ્રૉલીમાં ૧૦ યાત્રી સવાર થઈ શકે છે. આવી ૧૫૦ ટ્રૉલી કાર ચાલશે. વારાણસીના મુખ્ય ગદૌલિયા બજારથી કૅન્ટ રેલવે-સ્ટેશન સુધીની યાત્રા ૧૬ મિનિટમાં કરાવશે એટલે એક કલાકમાં લગભગ ૩૦૦૦ મુસાફરો આ રોપવેમાં સફર કરી શકશે.
દેવદિવાળીએ દુનિયાભરના પર્યટકો આવતા હોવાથી એ વખતે ભીડ અને ટ્રાફિક ખૂબ વધી જાય છે. નૅશનલ હાઇવે લૉજિસ્ટિક મૅનેજમેન્ટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારીએ કહ્યું હતું કે વારાણસીમાં દેવદિવાળીએ રોપવેનું સંચાલન શરૂ થઈ જાય એની તૈયારીઓ ચાલે છે. સાઉથ અમેરિકાના બોલિવિયા અને દક્ષિણ અમેરિકાના મેક્સિકો પછી ભારત ત્રીજો દેશ બનશે જ્યાં અર્બન ટ્રાન્સપોર્ટ રોપવે શરૂ થશે.