પત્નીને IVF કરવા દેવા કોર્ટે મૃત્યુની નજીક પહોંચેલા પતિનું વીર્ય મેળવવા આપી છૂટ

22 July, 2021 11:52 AM IST  |  New Delhi | Agency

મહિલાએ તેના પતિનાં માતા-પિતા સાથે મળીને હાઈ કોર્ટમાં ઇમર્જન્સી અરજી કરી હતી જે મુજબ હૉસ્પિટલે કહી દીધું છે કે ૨૯ વર્ષનો યુવક કદાચ એક દિવસથી વધુ નહીં જીવી શકે. મહિલાએ કોર્ટમાં આજીજી કરી કે તે પતિનું બાયોલૉજિકલ મટીરિયલ (સ્પર્મ) સાચવીને રાખવા માગે છે,

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કારણે ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે. માત્ર વૃદ્ધો જ નહીં, બાળકો, યુવાનો અને ૪૦થી વધુ વયના લોકો પણ કોરોના સામે જંગ હારી રહ્યા છે. એવામાં સ્વજનને બચાવવા પરિવાર કંઈ પણ કરી છૂટે છે. એક યુવાન મહિલા માટે પણ જિંદગી આવા જ વળાંક પર આવીને ઊભી રહી ગઈ છે, જ્યાં પતિ કોરોનાના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મહિલાના પતિને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે ત્યારે તેની ઇચ્છા મા બનવાની છે, જેથી પતિના અંશ દ્વારા તેની યાદોને જીવંત રાખી શકે. આ ઇચ્છા સાથે જ મહિલાએ હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
સોમવારે સાંજે મહિલાએ ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી કે તેનો પતિ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે અને કોરોના સામે જંગ જીતવાની આશા નજીવી છે ત્યારે પતિના સ્પર્મ પ્રિઝર્વ કરવાની મંજૂરી આપવામાં આવે. મહિલાએ તેના પતિનાં માતા-પિતા સાથે મળીને હાઈ કોર્ટમાં ઇમર્જન્સી અરજી કરી હતી જે મુજબ હૉસ્પિટલે કહી દીધું છે કે ૨૯ વર્ષનો યુવક કદાચ એક દિવસથી વધુ નહીં જીવી શકે. મહિલાએ કોર્ટમાં આજીજી કરી કે તે પતિનું બાયોલૉજિકલ મટીરિયલ (સ્પર્મ) સાચવીને રાખવા માગે છે, જેથી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નૉલૉજીની મદદથી તે પતિના બાળકની મા બની શકે. કોરોના સામે લડી રહેલા યુવકનાં માતા-પિતા પણ પુત્રવધૂની વાત સાથે સહમત છે.
આ અરજી પર સુનાવણી બાદ ગુજરાત હાઈ કોર્ટે મંગળવારે મહિલાની ઇચ્છા મુજબ વડોદરાની હૉસ્પિટલને કોરોના સામે જંગ હારી રહેલા દરદીના સ્પર્મ પ્રિઝર્વ કરવાનો આદેશ આપ્યો હતો. હૉસ્પિટલે અગાઉ મહિલાની વિનંતીને ફગાવી હતી, કારણ કે આ અંગેની સંમતિ આપી શકે એ સ્થિતિમાં દરદી નથી. મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં દરદી બેભાન છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો છે.
આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નૉલૉજી બિલ હાલ પેન્ડિંગ છે. જોકે, બિલમાં નિયત કરવામાં આવ્યું છે કે કોઈ પણ પુરુષના સ્પર્મ તેની મરજી વિના મેળવી શકાય નહીં. ત્યારે દરદી દાખલ છે તે હૉસ્પિટલના મૅનેજમેન્ટે મહિલાને સલાહ આપી હતી કે તેના પતિની સંમતિ મળી શકે એવી સ્થિતિ નથી એવામાં કોર્ટનો ઑર્ડર લઈને આવે.
જે બાદ ઍડ્વોકેટ નિલય પટેલની મદદથી આ પરિવારે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસ પર વધુ સુનાવણી થઈ શકે છે.

national news delhi high court