બાંકે બિહારીના તોશાખાનાના દરવાજા ૫૪ વર્ષે ખૂલ્યા, પણ... અંદરથી માત્ર કચરો અને લાકડાની એક ખાલી પેટી મળ્યાં

19 October, 2025 12:21 PM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

ઐતિહાસિક ઓરડી ખોલવામાં આવી ત્યારે અંદરથી માત્ર લાકડાની એક નાની પેટી મળી હતી

વૃંદાવનના બાંકે બિહારી મંદિરના તોશાખાનાનાં દ્વાર ૫૪ વર્ષ પછી ગઈ કાલે ખોલવામાં આવ્યાં હતાં

વૃંદાવનના બાંકે બિહારી મંદિરના તોશાખાનાનાં દ્વાર ૫૪ વર્ષ પછી ગઈ કાલે ખોલવામાં આવ્યાં હતાં. જોકે આ અવસરની રાહ જોતા ભક્તોની આશા ફળીભૂત નહોતી થઈ. સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી હાઈ પાવર કમિટીના નિરીક્ષણમાં જ્યારે આ ઐતિહાસિક ઓરડી ખોલવામાં આવી ત્યારે અંદરથી માત્ર લાકડાની એક નાની પેટી મળી હતી. એ પેટી પણ તદ્દન ખાલી હતી.
કમિટીના સભ્યોએ વિડિયોગ્રાફી સાથે આ ઓરડી ખોલીને એનું અંદરથી નિરીક્ષણ કર્યું તો એમાં વાયકા પ્રમાણે કીમતી આભૂષણો કે સોના-ચાંદીને બદલે ચારે બાજુ માત્ર કચરો હતો.

શું હતો ગોસ્વામી સમાજનો દાવો?

પાછલી લગભગ પાંચ સદીથી બાંકે બિહારીના ઠાકોરજીની સેવા અને પૂજાઅર્ચના કરતા ગોસ્વામી સમાજે આ મુદ્દે અગાઉથી દાવો કર્યો હતો. મંદિરની સંપત્તિ અને તોશાખાનાને લઈને તેમણે અગાઉ કહ્યું હતું કે ૧૯૭૧માં છેલ્લે તોશાખાનું ખોલવામાં આવ્યું ત્યારે ઠાકોરજીનાં અમૂલ્ય આભૂષણોની સૂચિ બનાવવામાં આવી હતી અને એ આભૂષણોને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના લૉકરમાં મૂકી દેવામાં આવ્યાં હતાં.

national news india vrindavan supreme court religious places