દેશમાં બળાત્કારના કેસમાં સૌથી ઝડપી ચુકાદો અપાયો

29 November, 2021 02:39 PM IST  |  Arariya | Agency

બિહારના બળાત્કારીને એક જ દિવસની સુનાવણીમાં આજીવન કેદની સજા ફટકારાઈ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં સૌપ્રથમ વાર બળાત્કારના કેસની સુનાવણી માત્ર એક જ દિવસમાં પૂરી થઈ અને આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. 
બિહારના અરરિયા જિલ્લાની પૉકસો કોર્ટે ૮ વર્ષની બાળકી પર બળાત્કારના દોષીને એક જ દિવસની સુનાવણીમાં આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જે દેશમાં પૉક્સો હેઠળ કરવામાં આવેલી સૌથી ઝડપી સજા છે. 
પૉક્સો કોર્ટના સ્પેશ્યલ જજ શશિકાંત રાયે આજીવન કરાવાસની સજા ઉપરાંત દોષીને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવા સાથે જ પીડિતાના રિહેબિલિટેશન માટે ૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. આદેશ ૪ ઑક્ટોબરે આપવામાં આવ્યો હતો, પરંતુ આદેશના ઑર્ડરની કૉપી ૨૬ નવેમ્બરે સોંપવામાં આવી હતી. 
બાળકી પર આ વર્ષની ૨૨ જુલાઈએ બળાત્કાર કરવામાં આવ્યો હતો તથા બીજા દિવસે ૨૩ જુલાઈએ એફઆઇઆર નોંધાવવામાં આવ્યો હતો. આ અગાઉ બળાત્કારના કેસની ઝડપી સુનાવણી હેઠળ મધ્ય પ્રદેશમાં એક બળાત્કારીને ત્રણ દિવસમાં સજા ફટકારવામાં આવી હતી. 

national news