17 November, 2025 08:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આધારને લગતી સર્વિસિસ મોબાઇલ પર પૂરી પાડવા માટે અગાઉથી mAadhaar ઍપ્લિકેશન છે જ, પણ નવી ઍપ લૉન્ચ કરીને UIDAIએ લોકોને મોબાઇલમાં ઈ-આધાર પૂરું પાડ્યું છે. એને લીધે હવે હોટેલ ચેક-ઇન, બૅન્ક-સર્વિસ કે સિમ-કાર્ડ જેવી સર્વિસ માટે આધાર-વેરિફિકેશન સીધું મોબાઇલથી થશે
યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ તાજેતરમાં નવી આધાર ઍપ્લિકેશન લૉન્ચ કરી છે. આ ઍપથી લોકોને સ્માર્ટફોન પર તેમના ડિજિટલ આધાર કાર્ડ રાખવા માટે સુરક્ષિત અને પેપરલેસ સર્વિસ મળશે. જોકે ઘણા લોકો એ બાબતે કન્ફ્યુઝ્ડ છે કે UIDAIની અગાઉથી એક ઍપ્લિકેશન mAadhaar ઉપલબ્ધ છે તો આ બીજી ઍપની જરૂર શું હતી? અને હવે બન્ને ઍપ છે તો બન્ને વચ્ચે ફરક શો? બન્ને વાપરવાની જરૂર છે કે કોઈ પણ એકથી કામ ચાલી જશે? જોકે હકીકત એ છે કે આ બન્ને ઍપ અલગ-અલગ કામ માટે અલગ-અલગ હેતુથી બનાવવામાં આવી છે. UIDAIની આ બન્ને ઍપ પ્લેસ્ટોર અને ઍપસ્ટોર પર ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે.
કેવી રીતે જુદી છે નવી ઍપ
નવી આધાર ઍપ્લિકેશન ફિઝિકલ આધાર કાર્ડ રિપ્લેસમેન્ટ તરીકે લૉન્ચ કરવામાં આવી છે. આ ઍપ મોબાઇલમાં હોવાથી એક રીતે તમારો E-AADHAAR હંમેશાં તમારી સાથે રહેશે. એક ઍપ્લિકેશનમાં ચાર ફૅમિલી-મેમ્બરનાં ઈ-આધાર રહી શકશે. એટલે હોટેલ ચેક-ઇન, બૅન્ક-વેરિફિકેશનથી લઈને સિમ-ઍક્ટિવેશન સુધીનાં વેરિફિકેશન્સ માટે ફિઝિકલ આધાર કાર્ડ કે ઝેરોક્સની જરૂર નહીં પડે. આ ઍપ્લિકેશનથી આધારનું ઑથેન્ટિફિકેશન થઈ જશે.
જ્યારે અગાઉથી ઍક્ટિવ mAadhaar ઍપ્લિકેશન તો આધાર કાર્ડને લગતી સર્વિસિસ મોબાઇલ પર પૂરી પાડવા માટે છે. ઈ-આધાર ડાઉનલોડ કરવા, વર્ચ્યુઅલ ID (VID) જનરેટ કરવા કે આધાર કાર્ડનું PDF વર્ઝન મેળવવા સહિતની સર્વિસિસ આ ઍપ્લિકેશનના માધ્યમથી યુઝર્સ મેળવી શકશે.