હવે તાત્કાલિક બુક કરાવો કે ફેસ્ટિવલ સીઝનમાં વિમાનની ટિકિટના ભાવ એક જ રહેશે

15 October, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રવાસીઓ યુનિફૉર્મ ફેર પર ટિકિટ બુક કરાવી શકે એ માટે ભારત સરકારે ફેર સે ફુરસત ફિક્સ ઍર ફેર સ્કીમ લૉન્ચ કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રવાસીઓ યુનિફૉર્મ ફેર પર ટિકિટ બુક કરાવી શકે એ માટે ભારત સરકારે ફેર સે ફુરસત ફિક્સ ઍર ફેર સ્કીમ લૉન્ચ કરી ઃ ૧૩ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી અલાયન્સ ઍરમાં યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત

હવાઈ ​​મુસાફરી અફૉર્ડેબલ બને અને ઍર ફેર ફિક્સ રહે એ ઉદ્દેશથી સિવિલ એવિયેશન મિનિસ્ટર રામમોહન નાયડુએ ‘ફેર સે ફુરસત’ સ્કીમ લૉન્ચ કરી છે. આ સ્કીમ સરકારી માલિકીની રીજનલ કૅરિયર ગણાતી અલાયન્સ ઍર માટે લાગુ કરવામાં આવશે.

આ યોજના હેઠળ પ્રવાસીઓ એક યુનિફૉર્મ ફેર પર ટિકિટ બુક કરાવી શકશે, જે બદલાશે નહીં. બુકિંગ ક્યારે કરવામાં આવ્યું છે એ ધ્યાનમાં લીધા વિના મુસાફરીના દિવસે પણ આ જ ભાડું યથાવત્ રહેશે. આ યોજનાનો પાઇલટ ફેઝ ૧૩ ઑક્ટોબરથી ૩૧ ડિસેમ્બર સુધી અમુક પસંદગીના રૂટ પર શરૂ કરવામાં આવશે. ઍરલાઇન મુસાફરોની પ્રતિક્રિયા મેળવીને આગળના તબક્કામાં યોજના લૉન્ચ કરશે.

રામમોહન નાયડુએ સ્કીમ લૉન્ચ દરમ્યાન કહ્યું હતું કે ‘નવી ફેર સિસ્ટમને લીધે મિડલ અને લોઅર-મિડલ ક્લાસના મુસાફરો માટે હવાઈ મુસાફરી સુલભ બનશે. સ્ટૅટિક પ્રાઇસિંગ મૉડલ ટિકિટના ભાવમાં વધ-ઘટની સમસ્યા દૂર કરશે, ખાસ કરીને છેલ્લી ઘડીએ ટિકિટ લેનારા મુસાફરોને ફાયદો થશે.’ 

૩૧ ડિસેમ્બર સુધીમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ દૂર કરવાની સરકારની યોજના છે. સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના (ઉડાન) અંતર્ગત અલાયન્સ ઍર દીમાપુર, બિલાસપુર અને બિકાનેર ટિયર ટૂ અને ટિયર થ્રી જેવાં નાનાં શહેરોને જોડતી લગભગ ૩૯૦ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

national news india air india indigo indian government