✕

તહેવારો પહેલાં રાહત આપવા સરકારે ક્રૂડ અને રિફાઇન્ડ ઑઇલ પરની ઇમ્પોર્ટ-ડ્યુટી ઘટાડી

25 September, 2026 02:30 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સ-ડ્યુટી ઘટતાં બજારમાં પામ અને સનફ્લાવર ઑઇલ સસ્તું થશે જેનાથી ગ્રાહકોને સીધો ફાયદો મળવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

તહેવારોની સીઝન શરૂ થાય એ પહેલાં જ સરકારે સામાન્ય જનતાને મોટી ભેટ આપી છે. દેશમાં ખાદ્ય તેલના વધતા ભાવોને કાબૂમાં રાખવા માટે સરકારે પામ ઑઇલ, સોયાબીન ઑઇલ અને સનફ્લાવર ઑઇલ જેવા રિફાઇન્ડ ખાદ્ય તેલ પરની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે.
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ સોયાબીન ઑઇલ અને પામ ઑઇલ પર બેઝિક કસ્ટમ્સ-ડ્યુટી ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી છે, જ્યારે ક્રૂડ સનફ્લાવર ઑઇલ પરની ડ્યુટી ૧૦ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. એવી જ રીતે રિફાઇન્ડ ઑઇલ પર પણ ડ્યુટી અનુક્રમે ૩૨.૫ ટકાથી ઘટાડીને ૨૭.૫ ટકા અને ૨૨.૫ ટકા કરવામાં આવી છે. અન્ય સેસ અને સરચાર્જ સહિત હવે પામ અને સોયાબીન ઑઇલ પર કુલ ૧૧ ટકા જ્યારે સનફ્લાવર ઑઇલ પર માત્ર ૫.૫ ટકા ડ્યુટી લાગશે.
આ ઘટાડાની બજાર પર સીધી અને સકારાત્મક અસર જોવા મળશે. આયાત-ખર્ચ ઘટવાને કારણે છૂટક બજારમાં તેલના ડબ્બા સસ્તા થશે. ખાસ કરીને મીઠાઈ અને ફરસાણની માગણી વધતી હોય એવા તહેવારોના સમયમાં ગ્રાહકોને મોટી રાહત મળશે. વેપારીઓના મતે ડ્યુટી ઘટતાં હવે ભારતમાં આયાત વધશે જેમાં સૌથી વધુ ફાયદો સનફ્લાવર ઑઇલને થશે અને બજારમાં એની માગણી વધવાની પૂરી શક્યતા છે.    

national news india crude oil indian government