શુક્રવારે હીટવેવની ચેતવણી

24 April, 2024 07:44 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બીજા તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાની આશંકા

હીટવેવ

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૮૯ બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભારતીય હવામાન ખાતાએ ચાર રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં હીટવેવની ચેતવણી આપી છે. આને કારણે ચૂંટણીપંચની ચિંતા વધી છે, કારણ કે આકરી ગરમી અને લૂના પ્રકોપને કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થઈ શકે એમ છે. પહેલા તબક્કામાં પણ ઓછું મતદાન થયું હતું.

પહેલા તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૧૦૨ બેઠકો પર મતદાન થયું હતું જે સરેરાશ ૬૫.૫૦ ટકા રહ્યું હતું. ગરમીને કારણે ૨૦૧૯ના ૬૯.૯૦ ટકા મતદાન સામે આશરે ૪.૪ ટકા મતદાન ઓછું થયું હતું.

ચૂંટણીપંચને લાગી રહ્યું છે કે હીટવેવની પરિસ્થિતિને કારણે કદાચ આ તબક્કામાં પણ મતદાનની ટકાવારી ઘટી શકે છે. હીટવેવની આશંકા છે એવાં રાજ્યોના ચૂંટણી-કમિશનરો સાથે ચૂંટણીપંચે સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. મતદાન-કેન્દ્રો પર શમિયાણા બાંધવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને પંખા લગાવવાનું કહેવામાં આવ્યું છે.

હાઇરાઇઝ બિલ્ડિંગમાં પોલિંગ સેન્ટર

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચે પહેલી વાર ગાઝિયાબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ૩૩ પોલિંગ સેન્ટર બાંધવાનો નિર્ણય લીધો છે, જેથી મોટી સંખ્યામાં મિડલ ક્લાસના મતદારોને ગરમીમાં મતદાન કરવામાં રાહત મળી રહેશે. આ બિલ્ડિંગના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે અમારું મતદાન-કેન્દ્ર દૂર એક સ્કૂલમાં હોય છે જ્યાં જવામાં તકલીફ પડે છે એટલે આ બિલ્ડિંગમાં જ પોલિંગ સેન્ટર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

national news india indian meteorological department uttar pradesh bihar karnataka west bengal Weather Update