બંગાળની હાલની મતદારયાદીમાંથી ૨૬ લાખ જેટલા વોટર્સનાં નામ ૨૦૦૨ની યાદી સાથે મેળ નથી ખાતાં

28 November, 2025 11:22 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ આ પ્રક્રિયાનો ભારે વિરોધ કરીને ચૂંટણીપંચનું કામ વધુ કઠિન કરી રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચ તરફથી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીનું પુન: પરીક્ષણ કામ ચાલી રહ્યું છે. મુખ્ય પ્રધાન મમતા બૅનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કૉન્ગ્રેસ આ પ્રક્રિયાનો ભારે વિરોધ કરીને ચૂંટણીપંચનું કામ વધુ કઠિન કરી રહ્યાં છે. આ પ્રક્રિયા દરમ્યાન ચૂંટણીપંચે દાવો કર્યો છે કે રાજ્યમાં હાલની મતદારયાદીમાં લગભગ ૨૬ લાખ વોટર્સનાં નામ ૨૦૦૨ની યાદી સાથે મેળ નથી ખાઈ રહ્યાં.

આ વિસંગતિ કઈ રીતે પકડાઈ?
રાજ્યના લેટેસ્ટ વોટર-લિસ્ટની સરખામણી જ્યારે ૨૦૦૨ અને ૨૦૦૬ની વચ્ચે વિવિધ રાજ્યોમાં તૈયાર કરવામાં આવેલા લિસ્ટ સાથે કરવામાં આવી ત્યારે યાદીમાં વિસંગતિ હોવાનું નોંધાયું હતું. બુધવારે બપોર સુધીમાં પશ્ચિમ બંગાળમાં છ કરોડથી વધુ ફૉર્મ અપલોડ કરી દેવાયાં હતાં. 

ચૂંટણી-અધિકારીએ કહ્યું હતું કે ‘ફૉર્મ પોર્ટલ પર અપલોડ થાય એ પછી એનું મૅપિંગ થાય છે અને છેલ્લા SIR રેકૉર્ડ સાથે તુલના કરવામાં આવે છે. આ પ્રક્રિયાના શરૂઆતના જ તબક્કામાં નિષ્કર્ષ નીકળ્યો છે કે રાજ્યમાં લગભગ ૨૬ લાખ મતદાતાઓનાં નામનું મૅપિંગ છેલ્લા SIR સાથે મેળ નથી ખાતું.’

national news india west bengal indian government indian politics election commission of india trinamool congress