18 January, 2026 09:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી વખતે કર્તવ્યપથ પરની ગૅલરીઓનાં નામ નંબરને બદલે દેશની પ્રતિષ્ઠિત નદીઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. આ પગલું ભારતની સભ્યતા, સંસ્કૃતિ અને અર્થતંત્રને આકાર આપતી નદીઓને જીવનરેખા તરીકે પ્રકાશિત કરે છે.
ગૅલરીઓનાં નામ યમુના, બ્યાસ, બ્રહ્મપુત્ર, ગંગા, તિસ્તા, ચંબલ, સતલજ, સોન, ચિનાબ, રાવી, વૈગાઈ, પેરિયાર, ગંડક, પેન્નાર, નર્મદા, ઘાઘરા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી, સિંધુ, કોસી, ઝેલમ અને કાવેરી સહિતની નદીઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. ભારતીય સશસ્ત્ર દળોનાં સુપ્રીમ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યાં માર્ચિંગ ટુકડી પાસેથી સલામી લે છે એ સલામી મંચની બાજુની ગૅલરીનાં નામ ગંગા અને ઘાઘરા નદીઓનાં નામ પરથી રાખવામાં આવ્યાં છે. પરેડ જોવા માટે વધુ દર્શકોને સમાવવા માટે તિસ્તા અને ચંબલ મોટાં એન્ક્લોઝર છે. અગાઉ આવા કાર્યક્રમો દરમ્યાન એને બ્લૉક અથવા VIP એન્ક્લોઝર તરીકે ઓળખવામાં આવતા હતા.
આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ભારતે યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ઍન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડેર લેયેનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યાં છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU) ૨૦૦૪થી વ્યૂહાત્મક ભાગીદારો છે. પંદરમી ભારત-EU સમિટ ૨૦૨૦ની ૧૫ જુલાઈએ વર્ચ્યુઅલી યોજાઈ હતી. ૭૭મા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે EU નેતાઓની ભાગીદારી ભારત-EUની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને પરસ્પર હિતનાં પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારશે.