15 July, 2026 07:20 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ ઉત્તર પ્રદેશના વક્ફ બોર્ડને લઈને એક મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને રાજ્યના સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરી છે. મૌલાનાએ દાવો કર્યો છે કે જો આ બન્ને બોર્ડના વ્યવહારોની યોગ્ય તપાસ કરવામાં આવે તો તાજેતરના રામ મંદિરમાં થયેલી દાનચોરીના આરોપો કરતાં પણ મોટું, અબજો રૂપિયાનું કૌભાંડ સામે આવશે.
વક્ફ સંપત્તિઓને સૌથી વધુ નુકસાન સમાજવાદી પાર્ટી (SP)ના શાસનકાળ દરમ્યાન થયું હતું એવો આક્ષેપ કરતાં મૌલાનાએ કહ્યું હતું કે ‘મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવના સમયમાં આઝમ ખાન વક્ફ પ્રધાન હતા ત્યારે તેમના નજીકના લોકોને બોર્ડના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. એ સમયે હોદ્દેદારો અને અધિકારીઓએ મળીને કરોડો રૂપિયાની કીમતી વક્ફ જમીનો ભૂ-માફિયાઓને પાણીના મૂલ્યે વેચી દીધી હતી. જો વક્ફની આવક ગરીબ મુસ્લિમો, અનાથો અને વિધવાઓના શિક્ષણ તેમ જ ઇલાજ પાછળ ખર્ચાઈ હોત તો સમાજ ઘણો આગળ હોત.’