નવી પેઢીને આદેશની નહીં, સંવાદની જરૂર છે

26 July, 2026 07:52 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

મનમાની કરીને કે શક્તિના જોરે સૌના માલિક બની જઈશું એવું શક્ય નથી એમ જણાવતાં મોહન ભાગવતે કહ્યું...

મોહન ભાગવત

દિલ્હીમાં વિશ્વ મંગલમ્ સભાના ૨૩ અને ૨૪ જુલાઈ દરમ્યાન યોજાયેલા કાર્યક્રમમાં જંતરમંતર પર તાજેતરમાં જ જે પ્રકારે પરિસ્થિતિ વણસી હતી એને ટાંકીને નિવેદન આપતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે ‘હાલનો સમય બદલાઈ ગયો છે. આજની નવી પેઢી અનેક પ્રશ્નો પૂછે છે. દરેક વાત પાછળનું કારણ અને તર્ક તેમને સમજાવાં જોઈએ. સંવાદ દ્વારા જ તેમને યોગ્ય દિશા બતાવી શકાશે. મનમાની કરીને કે શક્તિના જોરે સૌના માલિક બની જઈશું એવું શક્ય નથી.’

નોંધનીય છે કે RSSના વડા મોહન ભાગવતનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું હતું જ્યારે દેશમાં પેપર-લીકના મુદ્દે વિદ્યાર્થીઓ જંતરમંતર પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પહેલાંના સમયમાં માતા-પિતાની વાત અંતિમ ગણાતી હતી. એ સમયે કોઈ ચર્ચા કે દલીલ થતી નહોતી. માતા-પિતા પ્રત્યે શ્રદ્ધા હતી અને કોઈ પ્રતિક્રિયા પણ આપવામાં આવતી નહોતી. હવે સમય બદલાઈ ગયો છે. નવી પેઢી પ્રશ્નો પૂછે છે અને દરેક વાતનો તર્ક અને સ્પષ્ટીકરણ માગે છે. નવી પેઢીને વધુ આત્મીયતા, પૂરતો સમય અને સૌથી વધુ સતત સંવાદની જરૂર છે. આજે ડિક્ટેશન નહીં, ડિસ્કશનની જરૂર છે; ઑર્ડર નહીં, જાગૃતિની જરૂર છે. નવી પેઢીને આદેશની નહીં, સંવાદની જરૂર છે.’

national news india jantar mantar rashtriya swayamsevak sangh mohan bhagwat neet exam cockroach janata party abhijit dipake