સંસદમાં ભારે ધાંધલધમાલ

20 July, 2021 03:23 PM IST  |  New Delhi | Agency

નવા પ્રધાનોનો પરિચય પણ ન આપી શકનાર વડા પ્રધાને કહ્યું, પહેલી વખત આવું દૃશ્ય જોયું ઃ શશી થરૂરે કહ્યું, સંસદ કંઈ સરકારનું નોટિસ બોર્ડ નથી

સંસદના ચોમાસુ સત્રમાં જાતે છત્રી ઉપાડીને ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. જોકે રાહુલ ગાંધીને માથે તેમના બૉડીગાર્ડે છત્રી ધરી હતી અને આને કારણે બંને લીડર વચ્ચે સોશ્યલ મીડિયા પર ઘણી સરખામણી થઈ હતી તેમજ રાહુલ ગાંધી ખાસ્સા ટ્રૉલ પણ થયા હતા. પી.ટી.આઇ.

સંસદમાં ગઈ કાલે ચોમાસુ સત્રની શરૂઆતમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. લોકસભામાં કૉન્ગ્રેસ, ટી.એમ.સી., બહુજન સમાજ પાર્ટી અને અકાલી દળના સંસદસભ્યોએ મોંઘવારી, ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દે નારાબાજી કરી હતી. પરિણામે વડા પ્રધાન મોદી સરકારના નવા પ્રધાનોનો પરિચય કરાવી શક્યા નહોતા. ધાંધલધમાલ વચ્ચે લોકસભાને સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભા પણ દિલીપકુમાર અને મિલ્ખા ​સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં પ્રધાનોના પરિચય આપતી વખતે થયેલી બૂમરાણ પર મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકોને બહુ દુઃખ થઈ રહ્યું છે કે સંસદમાં મહિલાઓ પ્રધાન બની છે. આ કેવી મહિલા વિરોધી માનસિકતા છે. મોટી સંખ્યામાં એસસી સમાજના લોકો પ્રધાન બન્યા છે. તેમનો પરિચય પણ આપી શકાયો નથી. સદનમાં આવું પહેલી વખત જોઈ રહ્યો છુંકૉન્ગ્રેસના નેતા શશી થરૂરે કહ્યું હતું કે સરકારે કોરોના મિસમૅનેજમેન્ટ, ચીન, ખેડૂત આંદોલન, બેરોજગારી જેવા મુદ્દે ચર્ચા માટે તૈયાર રહેવું જોઈએ. 

વૅક્સિન લેનાર છે બાહુબલી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

સંસદભવન પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘વૅક્સિન તમારા બાહુ એટલે કે બાવડા પર લગાવવામાં આવે છે અને જ્યારે એ લાગી જાય છે ત્યારે તમે બાહુબલી બની જાઓ છે. કોરોના સામે લડવા માટે બાહુબલી બનવું હોય તો વૅક્સિન મુકાવી દો. અત્યાર સુધી ૪૦ કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં બાહુબલી બન્યા છે.’ 

national news narendra modi