ઍરપોર્ટની સિસ્ટમ પર થયો હતો સાઇબર અટૅક: પાઇલટોને મળી રહ્યાં હતાં ખોટાં સિગ્નલ, રનવેને બદલે દેખાતાં હતાં ખેતર

11 November, 2025 10:21 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૭ નવેમ્બરે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધી પાછળ એક ચોંકાવનારું કારણ બહાર આવ્યું

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે ૭ નવેમ્બરે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (IGIA) પર થયેલી ટેક્નિકલ ખામી પાછળ એક મોટો સાઇબર ખતરો સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નાં સિગ્નલો સાથે ઇરાદાપૂર્વક છેડછાડ કરવામાં આવી હતી, જેને કારણે ફ્લાઇટની કામગીરી પર ગંભીર અસર પડી હતી. એ દિવસે સવારે ૯ વાગ્યે ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ની ઑટોમૅટિક મેસેજ સ્વિચ સિસ્ટમ (AMSS)માં ખામીને કારણે ઍરપોર્ટ પર ૧૨ કલાકથી વધુ સમય માટે ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી. ૮૦૦થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે ૨૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ સિસ્ટમ સામાન્ય થઈ હતી.

પાઇલટ્સને ખેતરો જોવા મળ્યાં
૬ નવેમ્બર અને ૭ નવેમ્બરે સાંજની વચ્ચે ઘણા પાઇલટ્સે ખોટાં GPS સિગ્નલ મળ્યાં હોવાની જાણ કરી હતી. કૉકપિટ સ્ક્રીનોએ રનવેને બદલે ખેતરો અને ખોટાં સ્થાનો દર્શાવ્યાં હતાં. આનાથી વિમાનની ઊંચાઈ અને સ્થિતિ અંગે મૂંઝવણ ઊભી થઈ હતી. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પાઇલટ્સે વિમાન-નિયંત્રણને ઑટોમૅટિકથી મૅન્યુઅલ મોડમાં ફેરવ્યું હતું, જેનાથી મોટા અકસ્માતો ટાળી શકાયા હતા.

GPS હસ્તક્ષેપના કેસ વધ્યા
ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ના અહેવાલ મુજબ તાજેતરના મહિનાઓમાં ભારતમાં GPS હસ્તક્ષેપના ૪૬૫થી વધુ કેસ નોંધાયા છે. મોટા ભાગની ઘટનાઓ જમ્મુ અને અમ્રિતસર જેવા સરહદી વિસ્તારોમાં બની છે. નિષ્ણાતોના મતે આ ભારતની ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર ખતરો છે.

ઉચ્ચ તપાસનો આદેશ
કેન્દ્ર સરકારે આ મામલે ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો છે. નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA)ના કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં ઍરપોર્ટ અને સુરક્ષા-એજન્સીઓ પાસેથી સંપૂર્ણ અહેવાલો માગવામાં આવ્યા હતા જેથી સાઇબર હુમલામાં વિદેશી શક્તિઓ સામેલ હતી કે નહીં એ નક્કી કરી શકાય.

national news india indira gandhi international airport delhi news new delhi Crime News delhi police cyber crime