26 March, 2026 11:15 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
શ્રી જગન્નાથ મંદિર
પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં રત્નભંડાર ગઈ કાલે ૪૮ વર્ષ પછી ખૂલ્યો હતો. આ ખજાનામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાનાં કીમતી આભૂષણો છે. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન અનુસાર આ કામ ગઈ કાલે બપોરે ૧૨.૦૯થી ૧.૪૫ વાગ્યાની વચ્ચે શરૂ કરવામાં આવ્યું હતું. આ ગણતરીના કામમાં માત્ર અધિકૃત લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી મંદિરના રોજિંદા પૂજા-પાઠ, આરતીમાં કોઈ અસર નહીં પડે. શ્રદ્ધાળુઓને બહારના બૅરિકેડથી દર્શન કરવાની અનુમતિ છે, પરંતુ કોઈને અંદરના હિસ્સામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે.
પહેલાં રોજિંદા શણગારમાં વપરાતાં ઘરેણાંની તપાસ થશે અને પછીથી ખજાનાના બહારના કક્ષ અને પછી છેલ્લે અંદરના કક્ષને ખોલવામાં આવશે.
છેલ્લે ૧૯૭૮માં ૧૨ મેથી ૨૩ જુલાઈ દરમ્યાન રત્નભંડારના ખજાનાની ગણતરી થઈ હતી. એમાં ૪૫૪ સોના-મિશ્રિત દાગીના (૧૨૮.૩૮ કિલો), ૨૯૫ ચાંદીની ચીજો (૨૨૧.૫૩ કિલો) અને અનેક કીમતી રત્નોની નોંધણી થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે આ વખતે આધુનિક ટેક્નિક્સને કારણે ગણતરીનું કામ જલદી પૂરું થઈ જશે.