News In Short:ડ્રૉન હુમલામાં ૧૦ નાગરિકો માર્યા હોવાની અમેરિકાની સેનાએ કરી કબૂલાત

19 September, 2021 12:12 PM IST  |  New Delhi | Agency

વાહનો તેમ જ મૃત્યુ પામનાર લોકો આઇએસ-કે સાથે સીધા સંકળાયેલા છે કે અમેરિકી દળો માટે તેઓ જોખમી હોવાની સંભાવના નથી એમ અમે હવે કહી શકીએ છીએ. 

ડ્રૉન હુમલામાં ૧૦ નાગરિકો માર્યા હોવાની અમેરિકાની સેનાએ કરી કબૂલાત

ઑગસ્ટમાં કાબુલમાં થયેલા અમેરિકન ડ્રૉન હુમલામાં સાત બાળકો સહિત ૧૦ નાગરિકો માર્યા ગયા હોવાનું અમેરિકન સૈન્યએ કબૂલ્યું છે. 
શિન્હુઆ ન્યુઝ એજન્સીએ કેનેથ મૅકેન્ઝીને ટાંકીને કહ્યું હતું કે તપાસનાં વિશ્લેષણો અને આંતરિક એજન્સીના ભાગીદારોએ કરેલી સમીક્ષાના આધારે આ ડ્રૉન હુમલામાં સાત બાળકો
સહિત ૧૦ નાગરિકો માર્યા ગયા હોવાની વાતને સમર્થન મળ્યું છે, એમ શુક્રવારે પેન્ટાગૉનની બ્રીફિંગ વેળાએ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડરે કહ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વાહનો તેમ જ મૃત્યુ પામનાર લોકો આઇએસ-કે સાથે સીધા સંકળાયેલા છે કે અમેરિકી દળો માટે તેઓ જોખમી હોવાની સંભાવના નથી એમ અમે હવે કહી શકીએ છીએ. 

બીજેપીના બાબુલ સુપ્રિયો તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા 

કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન અને બીજેપીના સંસદસભ્ય બાબુલ સુપ્રિયો ગઈ કાલે પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયા હતા. નવા પક્ષમાં જોડાવાની ઔપચારિકતા વેળા તૃણમૂલ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બૅનરજી અને સંસદસભ્ય ડેરેક ઓ’બ્રાયન હાજર હતા. ગયા જુલાઈ મહિનામાં કેન્દ્રના પ્રધાનમંડળમાં ફેરફાર દરમ્યાન બાબુલ સુપ્રિયોને પડતા મૂકવામાં આવ્યા હતા. બાબુલ સુપ્રિયોએ ૩૧ જુલાઈએ બીજેપીના રાજ્ય સ્તરના નેતાઓ જોડે મતભેદોને કારણે રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી.    

રાઘવ ચઢ્ઢા પર રાખી સાવંત થઈ નારાજ

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ નવજોતસિંહ સિદ્ધુને પંજાબના રાજકારણના રાખી સાવંત કહ્યા પછી અન્ય કોઈ નેતાએ પ્રત્યાઘાત આપવાની દરકાર નહીં કરી હોય, પરંતુ ખુદ રાખી સાવંતે રાઘવ ચઢ્ઢાને ધમકાવ્યા હતા. રાખીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ આ મુદ્દો ઉછાળ્યો છે. રાખી સાવંતે એક ટીવી ચૅનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મુજ સે ઔર મેરે નામ સે દૂર રહો, જો મિસ્ટર ચઢ્ઢા હો ના, મેરા નામ લોંગે તો તુમ્હારા ચડ્ડા ઉતાર દુંગી. અભી મૈં ટ્રેન્ડિંગ મેં હું.’

આતંકવાદી ઓસામાના કાકાએ કર્યું આત્મસમર્પણ

તહેવારની મોસમમાં સક્રિય થયેલા આતંકવાદી મોડ્યુલ હુમલાનો પર્દાફાશ કર્યા બાદ ૧૪ સપ્ટેમ્બરે જેની ધરપકડ કરવામાં આવી હતી તે આઇએસઆઇ પાસેથી પ્રશિક્ષણ પામેલા આતંકવાદી ઓસામાના કાકા હુમેદ-ઉર-રહેમાને શુક્રવારે પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસે રહેમાન માટે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી હતી, જેમાં દિલ્હીના જામિયાનગરના રહેવાસી રહેમાન ભારતમાં આતંકવાદી નેટવર્કનું સંકલન કરતો હોવાનો આક્ષેપ મુકાયો હતો.  

national news