16 March, 2026 10:45 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પંજાબમાં માવઠાની અસરને કારણે પાકને થયેલું નુકસાન તપાસી રહેલા ખેડૂતો.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાતાવરણમાં અચાનક જ મોસમ બદલાઈ ગઈ હતી. ગરમીથી કાળઝાળ થઈ રહેલા પંજાબ અને રાજસ્થાનમાં આંધી અને વરસાદની અસર જોવા મળી હતી. મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ટેમ્પરેચર ૪૦ ડિગ્રી પાર કરી ગયું હતું; જ્યારે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢમાં વરસાદ પડ્યો હતો. શિમલામાં કરાવૃષ્ટિ થઈ હતી અને વરસાદને કારણે અચાનક ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગઈ કાલે પંજાબમાં આખો દિવસ વરસાદ, કરાવૃષ્ટિ અને જોરદાર પવનને કારણે માર્ચ મહિનામાં ફરીથી શિયાળા જેવો માહોલ સર્જાયો હતો. જોકે આ કમોસમી વરસાદના માવઠાએ ખેડૂતોના ઊભા પાકને અસર કરી હતી. ગઈ કાલે સવારે ચાર વાગ્યાથી જ પંજાબના અનેક જિલ્લાઓ વરસાદ અને ઠંડકને કારણે ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા હતા.
આજે રાજસ્થાનના ૧૫ જિલ્લાઓમાં તોફાન સાથે વરસાદની ચેતવણી છે. જોકે મધ્ય પ્રદેશમાં હીટ સ્ટ્રોકની ચેતવણી છે, કેમ કે અહીં લગાતાર ૩ દિવસથી ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું હતું અને હજી અહીં ગરમી વધશે.