31 August, 2025 09:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રથનાં ત્રણ પૈડાં
ઓડિશામાં જગન્નાથ પુરીમાં યોજાતી રથયાત્રાના રથનાં ત્રણ પૈડાં સંસદ પરિસરમાં સ્થાપવામાં આવશે. આ સંદર્ભમાં શ્રી જગન્નાથ ટેમ્પલ ઍડ્મિનિસ્ટ્રેશન (SJTA) દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત દરમ્યાન પ્રશાસન દ્વારા સંસદના પરિસરમાં રથયાત્રાનાં ત્રણ પૈડાં સ્થાપિત કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ઓમ બિરલાએ સ્વીકારી લીધો છે.
SJTAના મુખ્ય પ્રશાસક અરબિન્દા પાધીએ શુક્રવારે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘લોકસભાના અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોએ મહાપ્રભુના આશીર્વાદ મેળવવા માટે શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. સંસદના પરિસરમાં એક અગ્રણી સ્થાન પર રથયાત્રાના ત્રણ પવિત્ર રથમાંથી એક-એક પૈડું સ્થાપિત કરવાના અમારા પ્રસ્તાવ સાથે ઉદારતાથી સંમતિ આપવા બદલ અમે માનનીય સ્પીકરના ખૂબ આભારી છીએ.’
પૈડાં સંદર્ભમાં અરબિન્દા પાધીએ જણાવ્યું હતું કે નંદીઘોષ (ભગવાન જગન્નાથ), દર્પદલન (દેવી સુભદ્રા) અને ભગવાન બલભદ્ર (તલદ્વાજ) રથનાં પૈડાં દિલ્હી જશે અને ઓડિશાની કાલાતીત સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાના સ્થાયી પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવશે.