07 September, 2026 11:10 AM IST | sikkim | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સિક્કિમ સરકારે રાજ્યમાં ૪૦ ગ્લેશિયલ તળાવોની ઓળખ કરી છે જેનાથી ભારે પૂરનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ ૪૦ તળાવોમાંથી ૧૬ તળાવોને સૌથી વધુ જોખમી A કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં છે. ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ના ભયાનક જોખમને ટાળવા માટે રાજ્ય સરકારે સૅટેલાઇટ મૉનિટરિંગ અને અર્લી વૉર્નિંગ સિસ્ટમનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
તાજેતરમાં ૨૬ ઑગસ્ટે નેપાલ અને તિબેટ સરહદ પર હિમસ્ખલનના કારણે આવેલા વિનાશક પૂરમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ ઑક્ટોબર ૨૦૨૩માં સિક્કિમમાં પણ GLOFના કારણે ૬૦ લોકોનાં મોત થયાં હતાં અને એક મહત્ત્વનો ચુંગથાંગ ડૅમ તૂટી ગયો હતો. આ ખતરાને ધ્યાનમાં રાખીને સિક્કિમના શાકો છો, લાનક અને ગુરુડોંગમાર તળાવો માટે અલગથી વિશેષ બચાવયોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
શાકો છો તળાવને સિક્કિમનું સૌથી સંવેદનશીલ તળાવ જાહેર કરવામાં આવ્યું છે અને એનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA)ને સોંપવામાં આવ્યો છે.