22 January, 2026 09:14 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સિમરન બાલા
૨૬ જાન્યુઆરીની પરેડ વખતે ૨૬ વર્ષની અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સંપૂર્ણ પુરુષ-ટુકડીનું નેતૃત્વ કરશે. આવું કરનારી તે પહેલી મહિલા-અધિકારી હશે. માર્ચ દરમ્યાન સિમરન ૧૪૦થી વધુ પુરુષ-સૈનિકોનું નેતૃત્વ કરશે. દેશના સૌથી મોટા અર્ધલશ્કરી દળ અને સમગ્ર ભારતમાં ગણવેશમાં મહિલાઓ માટે આ એક દુર્લભ અને શક્તિશાળી સિદ્ધિ છે.
ભારત ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે કર્તવ્યપથ પર પરેડમાં આ ક્ષણ એક ઇતિહાસ રચશે. સિમરન બાલા CRPFની સંપૂર્ણ પુરુષ-ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ
મહિલા-અધિકારી બનશે. સિમરન બાલા જમ્મુ અને કાશ્મીરના રાજૌરીની રહેવાસી છે. તે રાજૌરી જિલ્લાની CRPFમાં જોડાનારી પ્રથમ મહિલા છે. સિમરન બાલાએ ૨૦૨૩માં અસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી-પરીક્ષા પાસ કરી હતી. તેણે સમગ્ર ભારતમાં ૮૨મો ક્રમ મેળવ્યો હતો. આ સિમરનનો પહેલો પ્રયાસ હતો. તેણે નૌશેરાની નૅશનલ પબ્લિક સ્કૂલમાંથી દસમું ધોરણ અને જમ્મુમાં અગિયારમું અને બારમું ધોરણ પૂરું કર્યું હતું. ત્યાર બાદ તેણે જમ્મુમાં જ આવેલી ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વુમન, ગાંધીનગરમાંથી પૉલિટિકલ સાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું.