ગ્વાલિયર-ચંબલમાં પૂરની સ્થિતિ બેકાબૂ : સેંકડોને બચાવાયા, ગામો ખાલી કરાવાયાં

05 August, 2021 09:08 AM IST  |  Gwalior | Gujarati Mid-day Correspondent

સીએમએ પણ કહ્યું હતું કે સંકટ ઘણું મોટું છે અને અમે સેનાની મદદ લઈ રહ્યા છીએ

લગભગ સમગ્ર દેશમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે પૂરને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. બંગાળના હાવડા જિલ્લાના એક વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ અડધી ડૂબી ગઈ હતી. પાણી ઓસરતાં લોકોએ એ મૂર્તિની આસપાસના ભાગને સાફ કરીને મૂર્તિને ફરી પહેલાં જેવી સ્વચ્છ કરીને તેની સલામતી જાળવી હતી. (તસવીરઃ પી.ટી.આઇ.)

મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં પૂરથી સ્થિતિ બેકાબૂ બની છે. અત્યાર સુધી ૭ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, ૨૫ લોકો ગુમ છે જેમની શોધખોળ રેસ્ક્યુ ટીમ કરી રહી છે. નદીકિનારામાં ફસાયેલાં ગામોથી ૧૯૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. દતિયામાં મોટી વસ્તીવાળા વિસ્તારોને પૂરના ભયના કારણે ખાલી કરવામાં આવ્યા છે. શિવપુરીનાં ૧૦૦થી વધુ ગામો ખાલી કરાવવામાં આવ્યાં છે. મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાનું કહેવું છે કે આશરે બે હજાર લોકો શિવપુરીમાં ફસાયેલા છે. શિવપુરી પૂરનું કેન્દ્ર બનેલું છે.

સીએમએ પણ કહ્યું હતું કે સંકટ ઘણું મોટું છે અને અમે સેનાની મદદ લઈ રહ્યા છીએ. સીએમ ચંબલ ક્ષેત્રમાં હેલિકૉપ્ટર દ્વારા સર્વે પણ કરવાના છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે વાર મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરી છે.

national news madhya pradesh