12 February, 2026 07:06 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મોહાલીમાં સ્કૂલો અને કૉલેજોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ગઈ કાલે સવારે ૭.૩૦ વાગ્યે મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલી ઈ-મેઇલમાં જણાવાયું હતું કે બપોરે ૧.૧૧ વાગ્યે બૉમ્બવિસ્ફોટ થશે. આ ઈ-મેઇલમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને પણ માનવબૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વધુમાં ૧૩ ફેબ્રુઆરીએ બપોરે ૨.૧૧ વાગ્યે નવી દિલ્હીમાં સંસદ સામે પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
સવારે ૮.૫૦ વાગ્યે સ્કૂલો ખૂલે એ પહેલાં જ ધમકીભરી ઈ-મેઇલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી સ્કૂલો તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ધમકીની જાણ થતાં મોહાલી પોલીસ હાઈ અલર્ટ પર આવી ગઈ હતી અને બૉમ્બ-સ્ક્વૉડ ટીમો સાથે પોલીસો સ્કૂલોમાં પહોંચ્યા હતા. સ્કૂલની આસપાસનો સમગ્ર વિસ્તાર સીલ કરીને સ્કૂલો ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસટીમોએ તપાસ કરી હતી. જોકે સ્કૂલોમાં કંઈ શંકાસ્પદ ચીજો મળી નહોતી.
ઈ-મેઇલમાં શું લખ્યું હતું?
ધમકીભરી ઈ-મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે ‘પંજાબ હવે ખાલિસ્તાન છે. મોહાલીની સ્કૂલો અને કૉલેજોમાં બપોરે ૧.૧૧ વાગ્યે બૉમ્બવિસ્ફોટ થશે. આ સાથે મુખ્ય પ્રધાન ભગવંત માનને માનવબૉમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. આગળ લખ્યું હતું કે હિન્દુ આતંકવાદી નરેન્દ્ર મોદીના આદેશ પર પંજાબના યુવાનોનો નરસંહાર કરવામાં આવી રહ્યો છે. આ પછી ઈ-મેઇલમાં કહેવામાં આવ્યું હતું કે ૧૩ ફેબ્રુઆરીએ બપોરે ૨.૧૧ વાગ્યે દિલ્હીની સંસદમાં બૉમ્બવિસ્ફોટ થશે જેમાં નિશાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ હશે. ઈ-મેઇલ મોકલનારાના નામની જગ્યાએ ખાલિસ્તાન નૅશનલ આર્મી, એન્જિનિયર ગુરનાખ સિંહ, રુકન શાહવાલા લખવામાં આવ્યું છે.