04 June, 2026 11:27 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઋતબ્રત બૅનરજીએ પોતાને ટેકો આપતા વિધાનસભ્યો સાથે મળીને પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી.
પશ્ચિમ બંગાળમાં બે દાયકાથી ડંકો વગાડતી તૃણમૂલ કૉન્ગ્રેસનું આખરે ઔપચારિકપણે વિભાજન થઈ જ ગયું. સોમવારે જે વિદ્રોહી નેતા ઋતબ્રત બૅનરજીને મમતાએ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા તેણે જ હવે TMC પર કબજો કરી લીધો છે એમ કહી શકાય, કેમ કે બુધવારે ૫૮ વિદ્રોહી વિધાયકોએ ઋતબ્રત બૅનરજીની પાર્ટીના નેતા તરીકે પસંદગી કરી હતી. વિરોધ પક્ષના નેતા તરીકે ૫૮ વિધાનસભ્યોએ ઋતબ્રત બૅનરજીને સમર્થન કરતી અરજી સ્પીકર રથીન્દ્ર બોસને સોંપી હતી. તેમણે માગણી કરી હતી કે ઋતબ્રત બૅનરજીને વિપક્ષના નેતા જાહેર કરવામાં આવે. આ માગણીને સ્પીકરે મંજૂરી આપી દીધી હતી.
જોકે આ સમગ્ર ઘટનાક્રમ પર હજી સુધી વિધાનસભાના સ્પીકર કે મમતા બૅનરજીનું કોઈ નિવેદન આવ્યું નથી. મમતા પાસે હવે માત્ર બાવીસ વિધાનસભ્યોનું સમર્થન છે.
વિદ્રોહી વિધાયકોના જૂથને વિપક્ષ તરીકે માન્યતા મળ્યા પછી ઋતબ્રત બૅનરજીએ કહ્યું હતું કે ‘અમારી સાથે TMCના બેતૃતીયાંશથી વધુ વિધાનસભ્યો છે. બે અન્ય વિધાનસભ્યો પણ સમર્થન આપી ચૂ્કયા છે. સંસદીય પરંપરાઓ અનુસાર સ્પીકરે અમારી પાસે બહુમત હોવાથી વિપક્ષના નેતાની ઑફિસની રૂમ પણ આપી દીધી છે. હવે વિધાનસભામાં અમે જ અસલી વિપક્ષ છીએ. અમારે મન હજીયે મમતા બૅનરજી અમારાં નેતા છે. હું અનુરોધ કરું છું કે તેઓ વિધાનસભ્યોના દળનાં મુખ્ય સલાહકાર તરીકે ભૂમિકા નિભાવે.’
અલબત્ત, નવા છૂટા પડેલા જૂથે અભિષેક બૅનરજીના નેતૃત્વ અને વિધાનસભ્યો સાથે સંકળાયેલા નિર્ણયો માનવાથી ઇનકાર કરી દીધો છે.
હવે પાર્ટી પણ મમતાના હાથમાંથી જતી રહેશે?
એવી સંભાવના જતાવાઈ રહી છે કે ઋતબ્રત બૅનરજી પોતાના હોદ્દાને આધાર બનાવીને ચૂંટણીપંચ પાસે પણ જઈ શકે છે. તેઓ અસલી તૃણમૂલ કૉન્ગ્રેસ પોતાનું જૂથ છે એવો દાવો કરશે. સૂત્રોના કહેવા મુજબ આવનારા દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં પણ તૃણમૂલ કૉન્ગ્રેસમાં ફાટ પડતી જોવા મળી શકે છે. જો એમ થશે તો પાર્ટી પર ઋતબ્રત બૅનરજીની પકડ વધુ મજબૂત થતી જશે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રની રાજનીતિનું પુનરાવર્તન પશ્ચિમ બંગાળમાં પણ થાય એવું શક્ય છે.