આજે અયોધ્યામાં રામનવમી પર પહેલી વાર દીપોત્સવ બે લાખ દીવડા પ્રગટશે

07 April, 2025 06:58 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

બપોરે બરાબર ૧૨ વાગ્યે રામલલા પર થશે સૂર્યતિલક, પહેલી વાર ભાવિકો પર સરયૂના જળનો ડ્રોનથી છંટકાવ થશે : આશરે ૫૦ લાખ ભાવિકો દર્શન માટે આવશે એવી ગણતરી છે

રામલલ્લા

આજે રામનવમી નિમિત્તે અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ૫૦ લાખ ભાવિકો દર્શન માટે આવે એવી શક્યતા છે. અયોધ્યાનગરીને પણ આખી સજાવવામાં આવી છે. શહેરમાં વિવિધ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી પર પહેલી વાર દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને બે લાખ દીવડા રામકથા પાર્ક સામેના પાકા ઘાટ અને રામકી પૈડી પર પ્રગટાવવામાં આવશે. આખા રામ મંદિર પર ભવ્ય ફૂલોની સજાવટ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસથી મંદિરમાં ભવ્ય લાઇટિંગ કરવામાં આવી છે જે રોજ સાંજે ઝળહળી ઊઠે છે. રામ મંદિરના યજ્ઞમંડપમાં અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને હવન-પૂજન પણ રાખવામાં આવ્યું છે.

૯.૩૦ વાગ્યાથી શણગાર શરૂ થશે

રામલલાના વિગ્રહ પર સવારે ૯.૩૦ વાગ્યાથી જ શ્રૃંગાર શરૂ કરી દેવામાં આવશે. એ પહેલાં તેમના પર પંચામૃત અભિષેક કરવામાં આવશે. ત્યાર બાદ રામલલાને રાજકુમાર જેવા પોશાકમાં તૈયાર કરવામાં આવશે. તેમને પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરાવવામાં આવશે. આ વસ્ત્રો ફૅશન-ડિઝાઇનર મનીષ ત્રિપાઠીએ તૈયાર કર્યાં છે જેઓ ગઈ કાલે દિલ્હીથી અયોધ્યા પહોંચ્યા હતા. રામલલાના માથા પર સોનાનો મુગટ પહેરાવવામાં આવશે અને સોના, ચાંદી અને મોતીજડિત વિવિધ આભૂષણો ધારણ કરાવવામાં આવશે. આવી રીતે તૈયાર થયા બાદ રામલલા શ્રદ્ધાળુઓને દર્શન આપશે.

બપોરે ૧૨ વાગ્યે સૂર્યતિલક

આજે બપોરે ૧૨ વાગ્યે રામલલાના જન્મની આરતી થશે અને પછી ચાર મિનિટ માટે રામલલાના કપાળ પર સૂર્યતિલક થશે. આ ચાર મિનિટ માટે સૂર્યનાં કિરણો રામલલાના લલટ પર બરાબર મધ્યમાં રહેશે. આ પ્રસંગનું દૂરદર્શન દ્વારા લાઇવ પ્રસારણ કરવામાં આવશે અને એ માટે ગઈ કાલે ટ્રાયલ કરવામાં આવી હતી. જન્મ બાદ રામલલાને ૫૬ ભોગ અર્પણ કરવામાં આવશે.

ડ્રોનથી સરયૂના જળનો છંટકાવ

આ વર્ષે અયોધ્યા આવનારા રામભક્તો પર ડ્રોનની મદદથી સરયૂ નદીના પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવશે. આ નવતર પ્રયોગ પહેલી વાર હાથ ધરવામાં આવ્યો છે જેનો આનંદ ભાવિકો આજે માણી શકશે.

national news india ayodhya ram mandir ram navami