✕

મધ્ય પ્રદેશમાં દિવાળીની રાત્રે ગોઝારો અગ્નિકાંડ, બે અલગ-અલગ ઘટનામાં ૧૨ લોકો ભડથું થઈ ગયા

10 November, 2026 09:40 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

દિવાળીનો તહેવાર મધ્ય પ્રદેશના સિવની અને કટની જિલ્લા માટે ગોઝારો સાબિત થયો હતો

મધ્ય પ્રદેશના કટનીમાં લાગેલી આગ.

દિવાળીનો તહેવાર મધ્ય પ્રદેશના સિવની અને કટની જિલ્લા માટે ગોઝારો સાબિત થયો હતો. દિવાળીની રાત્રે બન્ને જિલ્લામાં બનેલી આગની બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ ૧૨ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. કટનીના બરહીમાં મોડી રાત્રે સાડાઅગિયાર વાગ્યે ત્રણ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ક્રૉકરીની દુકાનમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. 
આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતાંમાં એ આખી ઇમારતમાં આગ લાગી ગઈ હતી. ઉપરના માળે અગ્રવાલ પરિવારના સભ્યો સૂતા હતા. ધુમાડા અને આગને કારણે તેઓ બહાર ન નીકળી શકતાં એક જ પરિવારના ૬ સભ્યો જીવતા ભૂંજાયા હતા. 

બીજી તરફ ફાયરબ્રિગેડની પાઇપ ખરાબ હોવાથી આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી અને પાંચ કલાકની લાંબી બચાવ કામગીરી બાદ આગ કાબૂમાં આવી હતી. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે જો ફાયરબ્રિગેડની વ્યવસ્થા યોગ્ય હોત તો કેટલાક લોકોના જીવ બચાવી શકાયા હોત. આ ઉપરાંત સિવની જિલ્લામાં પણ આગની અલગ-અલગ ઘટનામાં ૬ લોકોનાં મોત થયાં હતાં.

દિવાળીની રાત્રે દેશભરમાં આગનું તાંડવ, કુલ ૨૪નાં મોત 
દિવાળીનો તહેવાર દેશના કેટલાક પરિવારો માટે કાળમુખો સાબિત થયો હતો. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં દિવાળીની રાત્રે લાગેલી આગની અલગ-અલગ દુર્ઘટનાઓમાં કુલ ૨૪ લોકોનાં મોત થયા હતા. 

national news india madhya pradesh fire incident