11 November, 2025 11:25 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી
સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શરૂ થયા પછી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યના કૉન્ગ્રેસ યુનિટે સુપ્રીમ કોર્ટમાં SIR વિરુદ્ધ અરજી કરી છે. એમાં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ દાવો કર્યો છે કે SIRના ડરથી કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે તો કેટલાકનું મૃત્યુ હાર્ટ-અટૅક અને બ્રેઇન-સ્ટ્રોકને કારણે થયું છે.
સાઉથ ૨૪ પરગણાના જૉયપુરમાં ૩૫ વર્ષના સફીકુલ નામના માણસે પાંચમી નવેમ્બરે ગળાફાંસો લગાવી લીધો હતો. પત્નીએ તેની આત્મહત્યાનું કારણ SIR બતાવ્યું હતું. જોકે તેના બીજા સંબંધીઓએ સફીકુલનું મૃત્યુ પારિવારિક કારણોથી થયું હોવાનું જણાવ્યું હતું. ઝાડગ્રામમાં ૫૮ વર્ષના ડોમન મહતોના મૃત્યુને પણ SIR સાથે જોડવામાં આવ્યું હતું. પાનીહાટીમાં ૫૭ વર્ષના પ્રદીપ કરની આત્મહત્યાના કેસમાં પોલીસને સુસાઇડ-નોટ મળી હતી જેમાં લખ્યું હતું કે ‘મારા મૃત્યુ માટે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC) જવાબદાર છે.’
આવાં લગભગ ૧૫ મૃત્યુના કેસને તૃણમૂલ કૉન્ગ્રેસ દ્વારા મતદારયાદી સુધારણા સાથે સાંકળીને ચૂંટણીપંચને તાત્કાલિક SIR પ્રક્રિયા રોકવાની માગણી કરવામાં આવી હતી. અરજીકર્તા વકીલે બિહાર SIR કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંત સામે આ મામલો ઉઠાવ્યો હતો. વકીલે કહ્યું હતું કે મંગળવારે બિહારનો SIR કેસ લિસ્ટ થયેલો છે, એની સાથે જ પશ્ચિમ બંગાળનો SIRનો કેસ પણ લિસ્ટ થાય. જોકે બેન્ચે કહ્યું હતું કે આવું કરવું કે નહીં એ નિર્ણય ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ લેવાનો છે, અમારે નહીં.
૪૦,૦૦૦ મસ્જિદોની બહાર શરૂ થયાં ટ્રેઇનિંગ સેશન ભલે સરકાર વિરોધ કરી રહી હોય, રાજ્યમાં ૮૦,૦૦૦થી વધુ બૂથ-લેવલ અધિકારીઓ SIRનાં ફૉર્મ આપી રહ્યા છે અને ૯ નવેમ્બર સુધીમાં ૫.૧૫ કરોડ ફૉર્મ વહેંચી દીધાં છે. SIRનું ફૉર્મ કઈ રીતે ભરવું એની તાલીમ આપવા માટે પશ્ચિમ બંગાળની ૪૦,૦૦૦ મસ્જિદોમાં ટ્રેઇનિંગ સેશન શરૂ કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતી સંગઠનો, મસ્જિદ સમિતિઓ અને ધર્મગુરુઓએ મુસલમાનોને SIRનું ફૉર્મ ભરવામાં મદદ કરવાનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને જુમ્માની નમાજ પછી ખાસ સેશન્સ લેવાય છે.
BJP મારું ગળું કાપી નાખી શકે છે ઃ મમતા બૅનરજી
બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે ચૂંટણીપંચને SIR પ્રક્રિયા તાત્કાલિક રોકી દેવાની માગણી કરતાં કહ્યું હતું કે ‘SIR એ એક પ્રકારની વોટબંધી છે. ચૂંટણી પહેલાં જ SIR પ્રક્રિયા કરાવવાની ઉતાવળને હું સમજી નથી શકતી. આ સુપરઇમર્જન્સીનું જ એક સ્વરૂપ છે. મતદારયાદીનું વેરિફિકેશન બે કે ત્રણ મહિનામાં પૂરું ન થઈ શકે. એને પરાણે થોપવામાં આવી રહ્યું છે. SIRની વિરુદ્ધમાં બોલવા પર BJP મને જેલમાં મોકલી શકે છે કે પછી ગળું પણ કાપી નાખી શકે છે.’