UPમાં ૩૩૩૪ મૃત ખેડૂતોનાં બૅન્ક-અકાઉન્ટ‍્સમાં જમા થયા યોજનાના બાવીસ હપ્તાના પૈસા

26 April, 2026 07:50 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ ગેરરીતિની જાણકારી થયા બાદ હવે સરકારે નાણાં પાછાં માગ્યાં

યોગી આદિત્યનાથ

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)માં કૌભાંડ થયું હોવાની જાણકારી મળી છે. આ યોજના હેઠળ નાણાં એવા ખેડૂતોનાં ખાતાંમાં જાય છે જેઓ મૃત્યુ પામ્યા છે. આશરે ૩૩૩૪ ખેડૂતોનાં બૅન્ક-ખાતાંમાં બાવીસ હપ્તા જમા થયા છે ત્યારે આ જાણકારી બહાર આવી છે. આ ગેરરીતિની જાણકારી થયા બાદ હવે સરકારે નાણાં પાછાં માગતાં વિવાદ ઊભો થયો છે.

વર્ષો સુધી હજારો મૃત ખેડૂતોનાં ખાતાંમાં પૈસા જમા થતા હતા. કરોડો રૂપિયા એવા લોકો સુધી પહોંચ્યા છે જેઓ હવે જીવિત નથી. હવે પ્રશ્ન એ છે કે શું સરકારની ડેટા-સિસ્ટમ એટલી નબળી હતી કે કોઈ આ યોજના પર દેખરેખ રાખતું હતું કે નહીં? આ કેસ ફક્ત ટેક્નિકલ ભૂલ નથી, પરંતુ વહીવટી બેદરકારીનું મોટું ઉદાહરણ લાગે છે. 

સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકાર હવે મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારો પાસેથી પૈસા વસૂલ કરવાની તૈયારી કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા આ પરિવારો પહેલેથી જ નાણાકીય દબાણ હેઠળ છે અને તેમની પાસેથી લાખો અને કરોડો રૂપિયા વસૂલ કરવાનો નિર્ણય પણ સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે.

ક્યા હુઆ તેરા દાવા?
સરકાર સતત ડિજિટલ ઇન્ડિયા અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમની સફળતાનો દાવો કરે છે, પરંતુ આ ઘટનાએ આ દાવાઓને ખુલ્લા પાડી દીધા છે. જો ડેથ સર્ટિફિકેટ અપડેટ ન થવાને કારણે વર્ષો સુધી ખોટી ચુકવણી ચાલુ રહે છે તો એ ડિજિટલ સિસ્ટમની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્ન ઉઠાવે છે.

national news india uttar pradesh yogi adityanath indian government