દિવસો સુધી એક જ ખજૂર ખાઈને ઉપવાસ કરતા બે ભાઈઓએ જીવ ગુમાવ્યો

27 April, 2024 02:23 PM IST  |  Panaji | Gujarati Mid-day Correspondent

ગોવામાં પૈસેટકે સુખી પરિવારમાં કુપોષણનો ગજબ કિસ્સો : ૨૯ અને ૨૭ વર્ષના આ ભાઈઓની મમ્મી ઘરમાંથી બેહોશ હાલતમાં મળી

પ્રતીકાત્મક તસવીર

ગોવામાં બુધવારે બે ભાઈઓની મળેલી ડેડ-બૉડીના કેસમાં જાણવા મળ્યું છે કે તેમનાં મૃત્યુ કુપોષણથી થયાં છે. તેમની મમ્મી બેહોશ મળી આવી હતી. ગોવા પોલીસે જણાવ્યું કે ‘આ મહિલા રુખસાના ખાન તેના બેઉ દીકરાઓ ૨૯ વર્ષના મોહમ્મદ ઝુબેર ખાન અને ૨૭ વર્ષના અફાન ખાન સાથે ઉપવાસ કરતી હતી અને છેલ્લા કેટલાય દિવસોથી તેઓ રોજ માત્ર એક જ ખજૂર ખાતાં હતાં. પત્ની અને બે દીકરાઓની વારંવાર ઉપવાસ કરવાની આદતને કારણે રુખસાનાના પતિ નઝીર ખાને ઘર છોડી દીધું હતું અને તે બીજે રહેવા જતો રહ્યો હતો. આ પરિવાર પૈસેટકે સુખી હોવા છતાં આમ શા માટે કરતો હતો એ રહસ્ય બની રહ્યું છે.’

મોહમ્મદ ઝુબેર ખાન એન્જિનિયર હતો. પોસ્ટમૉર્ટમમાં ખુલાસો થયો છે કે બે ભાઈઓનાં મૃત્યુ કુપોષણથી થયાં છે. તેમની મમ્મીને હાલમાં સરકારી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. માનસિક હેલ્થની તપાસ કરવા માટે તેમને ગોવા મેડિકલ કૉલેજના મનોચિકિત્સા વિભાગમાં મોકલવામાં આવશે.

૨૪ એપ્રિલે બન્ને ભાઈઓના પિતા નઝીર ખાન દીકરાઓને મળવા મડગાંવના એક્વેમ વિસ્તાર ગયા હતા, પણ ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી તેમણે પોલીસને જાણ કરી હતી. એ પછી પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે એક રૂમમાં અફાન ખાન અને બીજી રૂમમાં ઝુબેર ખાનના મૃતદેહ પડ્યા હતા. પલંગ પર રુખસાના બેહોશ હતી. નઝીર ખાન આ અઠવાડિયાની શરૂઆતમાં પણ ઘરે ગયા હતા, પરંતુ ઘર અંદરથી ખોલવામાં ન આવતાં તે પાછા જતા રહ્યા હતા.

goa national news