મહારાષ્ટ્ર: રાયગઢ નદીમાં બે બાળકો ડુબ્યા, એક નો મૃતદેહ મળ્યો એક ગુમ

20 July, 2021 07:36 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બે બાળકો એક નદીમાં ડુબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે એકની શોધખોળ હજી ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ભારે વરસાદને કારણે બનેલી ઘટનાઓનાં કેટલાય લોકોના જીવ ગયા છે. આ કડીમાં મહારાષ્ટ્રના રાયગઢમાં પાતલગાંગા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા.   પીડિતોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નિલંભા શ્રીકાંત હંચાલીકર (7) અને તેના ત્રણ વર્ષીય ભાઈ બાબુ સોમવારે મોડી સાંજે ખોપોલીના ક્રાંતિનગર ખાતે પાતલગંગા નદીમાં ડૂબી ગયા હતા. ત્યાર બાદ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન યુવતીનો મૃતદેહ ખોપોલીથી આશરે 8 કિમી દૂર મળી આવ્યો હતો. જ્યારે હજી એક છોકરો ગુમ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.  ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.


અંબા, સાવિત્રી, કુંડલિકા અને બાલગાંગા નદીઓમાં પાણીનું સ્તર વધ્યુ છે. પેન તાલુકામાં તાંબાડશેટ, દુર્શેટ, જીતે સહિતના અન્ય ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે 100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પનવેલ તાલુકામાં 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

મુંબઈ-ગોવા રૂટ પર સુકેલી ખિંડ અને માથેરાન નજીક જુમાપટ્ટી ખાતે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ મંગળવાર સવાર સુધીમાં માથેરાનમાં સૌથી વધુ 255.70 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મુરુદમાં સૌથી ઓછો 37 મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2,082 મીમી વરસાદ નોંધાયો છે.

 

maharashtra raigad mumbai rains