03 May, 2026 08:14 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
સંદીપ પાઠક
રાજ્યસભાના સંસદસભ્ય સંદીપ પાઠક આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયાના થોડા દિવસ પછી પંજાબમાં તેમની સામે બે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યા છે. તેમની સામે કેસ કેમ નોંધવામાં આવ્યા છે એ હજી સુધી સ્પષ્ટ નથી, પણ બેઉ કેસ બિનજામીનપાત્ર કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
પંજાબ પોલીસની ટીમ ગઈ કાલે તેમના ઘરે પહોંચી ગઈ હતી, પણ એ પહેલાં પાઠક તેમના દિલ્હી નિવાસસ્થાનમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પંજાબ પોલીસ આરોપીની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહી છે, કારણ કે બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધવામાં આવ્યો છે.
સંસદસભ્ય સામે FIR વિશે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી મળી. જોકે સંદીપ પાઠકે એક સમાચાર-એજન્સીને કહ્યું હતું કે મારી વિરુદ્ધ કોઈ FIR હોવાનો મને ખ્યાલ નથી. સંદીપ પાઠક તાજેતરમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, રાજિન્દર ગુપ્તા, વિક્રમજિત સાહની, હરભજન સિંહ અને અશોક મિત્તલ સાથે AAP છોડીને BJPમાં જોડાયા હતા.