26 March, 2025 12:36 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમયથી અલગતાવાદને પ્રોત્સાહન આપતી હુર્રિયત કૉન્ફરન્સનાં બે સંગઠનો અલગ થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જાહેરાત કરી હતી કે હુર્રિયતનાં બે સંગઠન જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને ડેમોક્રેટિક પૉલિટિકલ મૂવમેન્ટે અલગતાવાદ સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
સોશ્યલ મીડિયા પર આ માહિતી આપતાં અમિત શાહે લખ્યું હતું કે ‘કાશ્મીરમાં અલગતાવાદ હવે ભૂતકાળની વાત બની રહ્યો છે. મોદી સરકારની એકીકરણ નીતિઓને કારણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો અંત આવી રહ્યો છે. હુર્રિયતનાં બે સંગઠનો જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને ડેમોક્રેટિક પૉલિટિકલ મૂવમેન્ટે અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. હું ભારતની એકતાને મજબૂત બનાવવા તરફના આ મહત્ત્વપૂર્ણ પગલાનું સ્વાગત કરું છું અને આવાં તમામ સંગઠનોને આગળ આવવા અને અલગતાવાદનો કાયમ માટે અંત લાવવા વિનંતી કરું છું. અન્ય અલગતાવાદી સંગઠનોએ પણ શીખવું જોઈએ અને સાથે આવવું જોઈએ.’
આ નરેન્દ્ર મોદીની વિકાસ, શાંતિ અને એક ભારતની નીતિઓનો વિજય છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારે હુર્રિયત કૉન્ફરન્સ સાથે સંકળાયેલાં બે સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો.