24 August, 2026 02:14 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
પરિવારના ૪ સભ્યો
બંગલાદેશમાં હિન્દુ પરિવારો પર અત્યાચાર ચાલુ છે અને હવે ફરી એક વાર રંગપુરમાં એક જ પરિવારના ૪ સભ્યોની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ તારિક રહમાનની સરકારના સબ સલામતના દાવાની પોલ ખોલી દીધી છે. ૪ જણનો હિન્દુ પરિવાર રંગપુરમાં રહેતો હતો. ગુનેગારોએ પહેલાં માતા અને પુત્રી પર બળાત્કાર કર્યો હતો અને પછી તેમની હત્યા કરી હતી. પરિવારના બીજા બે સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ આ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. સરકારના લઘુમતીઓને વિશેષ સુરક્ષા પૂરી પાડવાના દાવાની પણ પોલ ખૂલી ગઈ છે.
આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘ઘર થોડા સમયથી બહારથી બંધ હતું. અંદરથી દુર્ગંધ આવતાં સ્થાનિકોમાં શંકા જાગી હતી તેથી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં ૪ મૃતદેહ મળી આવ્યા હતા. પરિવારના વડાનો મૃતદેહ છત પરથી મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની પ્રીતિલતા અને પુત્રી સીડી પર મળી આવી હતી. પુત્રનો મૃતદેહ પલંગ નીચેથી મળી આવ્યો હતો.’
તપાસ કરનારી ટીમનું કહેવું છે કે બે શંકાસ્પદ આરોપીઓ ગણપતિ ચક્રવર્તી નામના નિવૃત્ત હિન્દુ-ટીચરના ઘરની છત પર ડ્રગ્સ લઈ રહ્યા હતા. ગણપતિએ એનો વિરોધ કરતાં વિવાદ થયો હતો અને તેમણે આખા પરિવારને પતાવી દીધો હતો. ગણપતિની પત્ની પ્રીતિલતા અને દીકરી અગામી સાથે રેપ થયો હોવાની સંભાવના પણ છે.
તમામ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે રંગપુર મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યા છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.