‘સમાધાન’ થઈ ગયું હોવાનું કહીને પોલીસે સુરક્ષા નહોતી આપી

30 June, 2022 08:49 AM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

કન્હૈયાલાલને મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેના પછી તેણે પોલીસ પાસેથી સુરક્ષા માગી હતી

ઉદયપુરમાં ગઈ કાલે કન્હૈયાલાલના પાર્થિવ શરીરને અંતિમવિધિ માટે લઈ જતા પરિવારજનો

ઉદયપુરમાં મંગળવારે ધોળા દિવસે ટેલર કન્હૈયાલાલની તીક્ષ્ણ હથિયારોથી હત્યાના મામલે નવા ખુલાસા થયા છે. આ મામલે પોલીસની બેદરકારી બહાર આવી છે. કન્હૈયાલાલને મારી નાખવાની ધમકીઓ મળી હતી, જેના પછી તેણે પોલીસ પાસેથી સુરક્ષા માગી હતી. જોકે પોલીસે તેને કહ્યું કે સમાધાન થઈ ગયું હોવાથી તેણે ડરવાની જરૂર નથી. એમ છતાં, કન્હૈયાલાલે છ દિવસ તેની દુકાન બંધ રાખી હતી અને તાજેતરમાં જ ખોલી હતી.

વિવાદ થોડા દિવસ પહેલાંનો છે. કન્હૈયાલાલના ડીપીમાં બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો ફોટોગ્રાફ હતો, જેને લીધે તેને ધમકીઓ મળી રહી હતી. ૧૫ જૂને કન્હૈયાલાલે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે સમાધાન કરાવ્યું હતું. જોકે એ પછી પણ કેટલાક લોકો તેની દુકાનની રેકી કરી રહ્યા હતા. સતત કન્હૈયાલાલને ધમકીઓ મળી રહી હતી.  

લગભગ છ દિવસ પહેલાં કન્હૈયાલાલના દીકરાથી મોબાઇલમાં ગેમ રમતાં-રમતાં કંઈ પોસ્ટ થઈ ગયું હતું, જેના પછી બે જણ તેની દુકાને આવ્યા હતા. તેમણે બન્નેએ કહ્યું હતું કે તમારા મોબાઇલથી વાંધાજનક પોસ્ટ નાખવામાં આવી છે. કન્હૈયાલાલે તેમને સમજાવ્યું કે તેના બાળકથી ભૂલથી એ થઈ ગયું હતું. જેના પછી એ પોસ્ટ ડિલિટ પણ કરવામાં આવી હતી.

એ પછી ૧૧ જૂને ધાનમંડી પોલીસ સ્ટેશનથી કન્હૈયાલાલને ફોન આવ્યો હતો કે તમારી વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. કન્હૈયાલાલની પોલીસે ધરપકડ કરી હતી અને એ જ દિવસે બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું, જેના પછી પણ ધમકીઓ મળી રહી હોવાથી કન્હૈયાલાલે પોલીસસુરક્ષા માગી હતી. જોકે એ બાબતને પોલીસે ગંભીરતાથી નહોતી લીધી. 

કન્હૈયાલાલની અંતિમ વિધિમાં સેંકડો લોકો ઊમટ્યા

કન્હૈયાલાલનો મૃતદેહ ગઈ કાલે પોસ્ટમૉર્ટમ બાદ તેમના ફૅમિલી મેમ્બર્સને સોંપવામાં આવ્યો હતો. કન્હૈયાલાલની પત્નીએ કહ્યું હતું કે આરોપીઓને ફાંસી થવી જોઈએ. ચુસ્ત સુરક્ષા અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગઈ કાલે કન્હૈયાલાલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. શહેરમાં કરફ્યુ હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. લોકોએ ‘હત્યારાઓને ફાંસી આપો’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. 

આરોપીઓને પકડનારા પાંચ પોલીસમેનને પ્રમોશન

ઉદયપુરમાં કન્હૈયાલાલની ક્રૂર હત્યાના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરનારા રાજસ્થાન પોલીસના પાંચ અધિકારીઓને ‘આઉટ ઑફ ટર્મ’ પ્રમોશન્સ આપવામાં આવશે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે આ જાણકારી આપી હતી. 

national news rajasthan udaipur