05 August, 2026 12:26 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન વિજય અને ત્રિશા વચ્ચેના કથિત સંબંધોને કારણે આ પ્રકરણ ખૂબ ચગ્યું હતું.
તામિલનાડુના તંજાવુરમાં કાવેરી નદી જળવિવાદ મુદ્દે યોજાયેલી સભા દરમ્યાન વિધાનસભાના વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટૅલિન દ્વારા અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન વિશે કરવામાં આવેલી દ્વિઅર્થી અને અશ્લીલ ટિપ્પણી બાદ રાજ્યમાં ભારે વિવાદ સર્જાયો હતો. ઉદયનિધિ તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને DMKના પ્રમુખ એમ. કે. સ્ટૅલિનના પુત્ર છે તથા તામિલનાડુના દિવંગત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિના પૌત્ર છે. તેમની ધરપકડથી તામિલનાડુના રાજકારણમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મુખ્ય પ્રધાન વિજય અને ત્રિશા વચ્ચેના કથિત સંબંધોને કારણે આ પ્રકરણ ખૂબ ચગ્યું હતું.
૩ ઑગસ્ટે વિવાદિત કમેન્ટ: તંજાવુરની સભામાં તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજય પર કાવેરી નદીના જળવિવાદ વિશે પ્રહાર કરતી વખતે શ્રોતાઓમાંથી ત્રિશાના નારા લાગતાં ઉદયનિધિએ સ્મિત સાથે તામિલમાં દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી.
તીવ્ર જનાક્રોશ અને ફરિયાદો : આ ટિપ્પણીને મહિલાઓ માટે અપમાનજનક ગણાવીને શાસક પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK), ભારતીય જનતા પાર્ટી (BJP) અને ગાયિકા ચિન્મયી શ્રીપદા તેમ જ ખુશ્બૂ સુંદર સહિતની હસ્તીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. TVKએ પોલીસ અને દિલ્હીસ્થિત નૅશનલ કમિશન ફૉર વિમેન (NCW)માં ફરિયાદ કરી હતી.
૪ આૅગસ્ટે હાઈ ડ્રામા વચ્ચે ધરપકડ: તંજાવુર અને નીલંકરાઈ પોલીસે સંયુક્ત રીતે મંગળવારે સવારે ૧૧ વાગ્યે ચેન્નઈસ્થિત નિવાસસ્થાનથી ઉદયનિધિની ધરપકડ કરી હતી.
પોલીસ-સ્ટેશનનો યુ-ટર્ન: તંજાવુર ઈસ્ટ પોલીસ-સ્ટેશને દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ના કાર્યકરોનું ભારે તોફાની ટોળું એકઠું થતાં પોલીસે સુરક્ષાનાં કારણોસર અચાનક રૂટ બદલીને ૨૭ કિલોમીટર દૂર સેંગીપટ્ટી પોલીસ-સ્ટેશને લઈ જઈને પૂછપરછ કરી હતી.
ઉદયનિધિનો બચાવ: ધરપકડ વખતે ઉદયનિધિએ વિડિયો એડિટ કરાયો હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ‘મેં કંઈ જ ખોટું કહ્યું નથી. મેં મુખ્ય પ્રધાન સિવાય કોઈનું નામ લીધું છે?’
મદ્રાસ હાઈ કોર્ટની રાહત: ઉદયનિધિએ આગોતરા જામીનઅરજી કરતાં મદ્રાસ હાઈ કોર્ટે પોલીસને તેમને સ્ટેશન-જામીન પર તરત મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. DMKના પ્રમુખ એમ. કે. સ્ટૅલિને આ આદેશને TVK સરકારની ફાસીવાદી માનસિકતા પર મોટો પ્રહાર ગણાવ્યો હતો.