ઉત્તરપ્રદેશમાં બ્રિજનો સ્લૅબ તૂટી પડતાં ૬નાં મોત- કેટલાંક મજૂરો કાટમાળ નીચે હોવાની આશંકા

29 May, 2026 02:30 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

Uttar Pradesh bridge collapse: મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. બેતવા નદી પર નિર્માણાધીન બ્રિજનો જે મોટો હિસ્સો ધરાશાયી થયો તેની નીચે ઘણા કામદારો સૂઈ રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાંથી દર્દનાક હાદસો (Uttar Pradesh bridge collapse) સામે આવ્યો છે. આંધી-તોફાન વચ્ચે એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ બ્રિજ જમીનદોસ્ત થયાથી છ મજૂરના મોત થયા છે અને અન્ય કેટલાંક કાટમાળ નીચે દબાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. બેતવા નદી પર નિર્માણાધીન બ્રિજનો જે મોટો હિસ્સો ધરાશાયી થયો તેની નીચે ઘણા કામદારો સૂઈ રહ્યા હતા. સવારે ઊઠીને કામદારો ફરીથી કન્સ્ટ્રક્શન કામમાં જોતરાવાના હતા, પરંતુ ભારે વરસાદ અને તોફાનને લીધે બ્રિજનો હિસ્સો તૂટી પડતાં મજૂરોના રામ રમી ગયા હતા. આ બ્રિજ લાલપુરના મોરાકંદર અને કુરારાના મવાઈજારને કનેક્ટ કરવા માટે બનાવાઇ રહ્યો હતો. કન્સ્ટ્રક્શન સાઇટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હતી. આ ઘટના બાદ મજૂરોની સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.  મૃત્યુઆંક વધી શકે એવી આશંકા છે.

બાંદા અને હમીરપુરના મજૂરોનાં મોત

રાજ્યસભાના સભ્ય બાબૂરામ નિષાદના પ્રયાસોથી મળેલી મંજૂરી બાદ આ બ્રિજ (Uttar Pradesh bridge collapse)નું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલો અને કાટમાળમાં દબાયેલા મજૂરોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.  તમામ મૃતકો અને ઘાયલો બાંદા અને હમીરપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.  બીજી ટીમોને પણ અહીં પહોંચવા રવાના કરી દેવાઈ છે.

ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે દિલસોજી વ્યક્ત કરી

યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર થયેલા દુઃખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ અત્યંત આઘાતજનક છે. જિલ્લા વહીવટીતંત્રને એસ. ડી. આર. એફ. સાથે રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

ભારે પવન અને વરસાદને કારણે બન્યો બનાવ

મળી રહેલાં રિપોર્ટ્સ અનુસાર બ્રિજના સ્લેબ નીચે દબાઈ જવાથી લોકેન્દ્રના પુત્ર રાધેશ્યામ નિષાદનું મોત થયું છે. જે ચિલ્લા જનપદ બાંદામાં રહેતો હતો. તે ઉપરાંત ૧૯ વર્ષના પ્રેમચંદ નિષાદનું પણ મોત થયું છે, એ પણ ચિલ્લા જનપદ બાંદાનો હતો. સાવંત યાદવ, સભાજીત, રાજેન્દ્ર સિંહ વગેરેના મોતની પુષ્ટિ થઈ છે. તે ઉપરાંત કાટમાળ નીચે દબાયેલા 3 લોકો અવધેશ નિષાદ, કલ્લુ યાદવ અને રાજેશ નિષાદ વગેરે કાટમાળની નીચે ફસાયા (Uttar Pradesh bridge collapse) હોવાનું કહેવાય છે.

એએસપી અરવિંદ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, "અમને રાત્રે લગભગ ૨ વાગ્યે માહિતી મળી હતી કે અહીં એક સ્લેબ પડી ગયો છે, જેમાં કેટલાક લોકો ફસાઈ ગયા (Uttar Pradesh bridge collapse) છે. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હજી પણ છએક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની શંકા છે. પાંચની ઓળખ કરવામાં આવી છે." હાલ ત્યાં જે. સી. બી. ની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.  પોલીસ અને સિવિક અધિકારીઓ સ્થળ પર હાજર છે. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર ભારે પવન અને વરસાદને કારણે સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો નીચે ફસાયા હતા.

national news india uttar pradesh north india Weather Update