02 February, 2025 08:43 AM IST | Delhi | Jayesh Chitalia
વરિષ્ઠ પત્રકાર જયેશ ચિતલિયા
મધ્યમ વર્ગ માટે બજેટરાહતોનો મહા તો નહીં પણ નાનો છત્તાં મહત્ત્વનો કુંભ લઈને આવી રહ્યું હોવાનો સંકેત નરેન્દ્ર મોદીએ શુક્રવારે આપી દીધો હતો, જેને ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના બજેટે ઇન્કમ ટૅક્સની રાહતોનું સ્નાન કરાવીને પુરવાર કરી દીધું. આ ઉપરાંત પણ બજેટમાં ઘણી નાની-નાની બાબતો એવી છે જે સમય જતાં મોટી રાહત અને પ્રોત્સાહન જેવી લાગશે. એમ છતાં હજી ઘણું બાકી છે. અત્યારે તો મોટા બોજ નહીં આવવાની હળવાશ મોટી જણાય છે
આ વખતના બજેટમાં નવા વેરા કે અન્ય બોજની વાત જરાય નથી, જ્યારે રાહતો અને પ્રોત્સાહનોની વાતો અનેક છે. આમ તો આ બધી વાતો સૌએ બજેટ-સ્પીચમાં સાંભળી-જોઈ અને સોશ્યલ મીડિયામાં માણી પણ હશે. આપણે અહીં એવી વાતો કરીએ જેની બજેટમાં ધારણા નહોતી અથવા જેની અગાઉ જૂજ યા નહીંવત્ ચર્ચા થઈ હતી કે કોઈ નક્કર સંકેત પણ નહોતા અથવા એવી બાબતો પણ પર નજર કરીએ જેની બજેટ પાસે અપેક્ષા હતી. એ અપેક્ષાઓ પૂરી થાત તો મધ્યમ વર્ગને ઘણી અને સારી રાહત થઈ હોત. જોકે હાલ તો જે રાહતો અપાઈ છે એનું તારણ કાઢીએ તો મિડલ ક્લાસના હાથમાં નાણાં વધશે તો ગ્રાહકમાગ વધશે, ગ્રાહકખર્ચ વધશે અને એને પરિણામે ઇકૉનૉમીને બૂસ્ટ મળશે એવી ધારણા રખાઈ હોવાનું જણાય છે. જોકે આમ તાત્કાલિક થવું કઠિન છે, મિડલ ક્લાસને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ તેમ જ ઑટો સેક્ટરમાં માગ વધવાની આશા ઊંચે ગઈ છે. વધુમાં એક અનુમાન એવું છે કે મધ્યમ વર્ગનાં નાણાં બચશે તો એ બચતયોજનાઓ તથા સાધનો તરફ પણ વળી શકે, એટલે કે મૂડીરોકાણને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ બચતનો રચનાત્મક-પ્રોડક્ટિવ ઉપયોગ થશે. બજેટે સંભવતઃ પ્રથમ વાર મધ્યમ વર્ગને ઘણું મહત્ત્વ આપ્યું હોવાનું કહી શકાય. જોકે આ વર્ગની પીડા એ પોતે જાણે અને બીજું એ કે મધ્યમ વર્ગમાં પણ ઘણા વર્ગ પડે છે, જેમાં એક નીઓ મિડલ ક્લાસ છે. વધુમાં મિડલ ક્લાસ માત્ર કરરાહતથી ધરાઈ જતો નથી, તેની સામે ઘણી સમસ્યા એક યા બીજા સ્વરૂપે ઊભી હોય છે, જેમ કે હવેના સમયમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો બોજ મિડલ ક્લાસને બહુ ભારે પડતો હોય છે. આમ મિડલ ક્લાસ પરનો આધાર બજેટને કેટલો અને કેવો ફળશે એ આગામી સમય કહેશે.
બજેટ પહેલાંની મોટી ઘટનાઓ
બજેટ જાહેર થાય એ પહેલાં કેટલીક એવી ઘટનાઓ જાહેર થઈ ચૂકી હતી જેને કારણે બજેટ સામે ચોક્કસ પડકારો આવીને ઊભા રહી ગયા હતા. એક ઘટના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની સત્તા પર આવ્યા બાદ શરૂ થયેલી દાદાગીરીની હતી. બીજી ૨૦૨૪ના ત્રીજા-ચોથા ક્વૉર્ટરમાં ભારતીય અર્થતંત્રની મંદ પડેલી ગતિની ચિંતાની હતી અને ડૉલર સામે સતત નબળા પડતા જતા રૂપિયાની હતી. એ ઉપરાંત બજારમાં ફૉરેન ઇન્વેસ્ટર્સની સતત વેચવાલી પણ ચિંતાનું કારણ બન્યું હતું. મોંઘવારી અને મંદ માગ પણ માથે ઊભી હતી. બીજી બાજુ વૈશ્વિક મંચ પર યુદ્ધ તેમ જ ભૂરાજકીય સમસ્યાઓ અને અનિશ્ચિતતા સૌને અધ્ધર રાખી બેઠાં હતાં, આવા કપરા સંજોગોમાં એવું બજેટ તૈયાર કરવું પડે જે આ પડકારોનો સામનો કરવાની સાથે-સાથે વિકાસની ગાડીને પણ ઊંચે લઈ જઈ શકે. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને જોઈએ તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું આ આઠમું અંદાજપત્ર અનેક રીતે અનોખું ગણાય, જેણે ન તો રૂપિયાની ચિંતા કરી છે કે ન તો અમેરિકાની. એણે માત્ર વિકાસને લક્ષ્ય બનાવીને આગળ વધવાનું અને સુધારાઓની નીતિનું સાતત્ય જાળવી રાખ્યું છે. હજી ઘણાં કદમ બાકી છે અને પડકારો પણ બાકી છે. બજેટનાં વધુ પાનાં હવે પછી ખૂલતાં જશે. આ વિકાસયાત્રા લાંબી છે અને કપરી પણ છે. સીધા વેરામાં મધ્યમ વર્ગને અપાયેલી રાહતોને કારણે લોકોના હાથમાં આશરે એક લાખ કરોડ રૂપિયા જેટલાં વધારાનાં નાણાં ઉપલબ્ધ થવાનો અંદાજ છે.
ટૂરિઝમ અને રીજનલ કનેક્ટિવિટી
રીજનલ કનેક્ટિવિટી વધારવા માટે બજેટે ઉડાન નામની સ્કીમ જાહેર કરી છે, જેની હેઠળ ૧૨૦ શહેરોને કવર કરવામાં આવશે. લોકોની હેરફેર ઝડપી બને એવો હેતુ છે. ગ્રીન ફીલ્ડ ઍરપોર્ટનો વિચાર પણ છે. માઇનિંગ સેક્ટરના વિકાસ માટે ખાસ રિફૉર્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂરિઝમ સેક્ટરને જૉબ ક્રીએશનના હેતુથી વિકસાવવા માટે બજેટે રાજ્યોના સહયોગમાં ૫૦ ટૂરિઝમ સાઇટ વિકસાવવાનું નક્કી કર્યું છે. ટૂરિઝમના વિકાસ હેતુ વીઝા-ફી સહિત વિવિધ જરૂરી પગલાં વિચારાધીન છે. સરકારના આ વખતનાં પગલાંમાં રોજગારસર્જનની સંભાવના પર જોર અપાયું છે. જોકે એને કેટલી સફળતા મળે છે એ સમય કહેશે. સરકાર ખાનગી સેક્ટરના સહયોગમાં મેડિકલ ટૂરિઝમના વિકાસ પર પણ જોર આપવાનું વિચારે છે.
ઇન્ડિયા પોસ્ટની જબ્બર ભૂમિકા
દેશભરમાં એક કરોડથી વધુ ઑફિસોની ક્ષમતા ધ્યાનમાં રાખીને ઇન્ડિયા પોસ્ટનો નવો ઉપયોગ લૉજિસ્ટિક્સ તરીકે કરવાનો વિચાર પણ યુનિક કહી શકાય. બજેટમાં ઇન્ડિયા પોસ્ટના રીપોઝિશનિંગની કહેવાયેલી વાત રસપ્રદ બનશે અને પોસ્ટ ઑફિસોની એક નવી ભૂમિકા જોવા મળશે. ભારતમાં એક કરોડથી વધુ પોસ્ટ ઑફિસો છે, જે દેશના ખૂણે-ખૂણે ફેલાયેલી છે. આ ઑફિસો ગ્રામ્ય અર્થતંત્રમાં જબરદસ્ત ભૂમિકા ભજવી શકશે.
આમ તો સરકાર દરેક બજેટમાં માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટપ્રાઇઝિસ (MSME)ને રાહત આપવાની વાતો કરે છે, જેમાં આ વખતે બજેટે આ સેક્ટરને ગ્રોથના એન્જિનમાં બીજું સ્થાન ગણાવીને એને વધુ રાહતો-પ્રોત્સાહનો આપ્યાં છે. આ સાથે સ્ટાર્ટઅપ્સને પણ બૂસ્ટ આપવા પાછળ રોજગાર-સર્જનનું ઊંચું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વખતે પીએમ કૃષિ યોજના જાહેર કરવામાં આવી છે, જેમાં ૧૦૦ જિલ્લાઓથી કાર્યની શરૂઆત થશે. આ એક નવી પહેલ છે જે સરકારનો ગ્રામ્ય અને કૃષિ વિકાસમાં રહેલો રસ દર્શાવે છે. સરકારે ફર્સ્ટ ટાઇમ ઑન્ટ્રપ્રનર સ્વરૂપે તેમ જ સ્ટૅન્ડ અપ ઇન્ડિયા માર્ગે પણ રૂરલ બૂસ્ટનું મિશન રાખ્યું છે. જેનો ભાગ્યે જ વિચાર થતો હોય એવાં ટૉય્સ (રમકડાં) ઉદ્યોગ પર આ બજેટે ભારે પ્રેમ વરસાવ્યો છે અને એને ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. મેડ ઇન ઇન્ડિયાનું આ સંબંધમાં મિશન નિયત કરવામાં આવ્યું છે. આ બજેટમાં પ્રથમ વાર ભારતીય ભાષા પુસ્તક સ્કીમ જાહેર કરવામાં આવી છે, જેના હેઠળ પ્રાદેશિક ભાષાને આવરી લઈ ડિજિટલ બુકનો ખ્યાલ સ્કૂલો અને હાયર સ્ટડીઝમાં દાખલ કરવાનો વિચાર મુકાયો છે.
ગિગ વર્કર્સ અને ડિલિવરીમૅન
સરકારે ગિગ વર્કર્સ માટે પ્રથમ વાર સોશ્યલ સિક્યૉરિટી લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમને ઈ-શ્રમ પોર્ટલ પર લાવવાની વાત પણ થઈ છે, જેમાં આ વર્કર્સને આઇ-કાર્ડ ઇશ્યુ થશે. સાવ પહેલી વાર બજેટમાં ડિલિવરીમૅન માટે વીમા-યોજના લાવવાની વાત કરવામાં આવી છે. દેશમાં ડિલિવરી-પર્સનનું મહત્ત્વ વધતું જાય છે એને ધ્યાનમાં રાખીને સરકાર ભવિષ્યમાં વધુ પગલાં ભરે તો નવાઈ નહીં. આ વર્ગ માટે નિયમનની જરૂરિયાત ઊભી થશે.
કેટલાક ઇનોવેટિવ અભિગમ
સૌપ્રથમ કેટલાંક ઇનોવેટિવ અથવા નવાં કહી શકાય એવાં પગલાં જોઈએ. આ બજેટમાં નાણાપ્રધાને સ્પિરિચ્યુઅલ અને રિલિજિયનની દૃષ્ટિએ ટૂરિઝમને વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. અયોધ્યા અને મહાકુંભ જેવી ઘટનાઓને મળેલા પ્રતિભાવને લીધે આ વિચાર આવ્યો હોઈ શકે અથવા દેશમાં ધર્મ-અધ્યાત્મ માટેની બદલાતી વિચારધારાને કારણે પણ હોઈ શકે. વિદેશોથી પણ ભારતમાં આવાં સ્થળો માટેની યાત્રા વધી રહી હોવાનું જોવા મળ્યું છે. બજેટમાં ગ્રામ્ય વિકાસની વાતો કાયમ થાય છે. આ વખતે રૂરલ પ્રોસ્પરિટીની વાત કરવામાં આવી છે. અર્થાત્ સરકાર ગ્રામ્યજનોની સમૃદ્ધિ વધે એવું ઇચ્છતી હોવાનું કહી શકાય. આ બજેટમાં કઠોળ માટે ખાસ આત્મનિર્ભરતા કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. બજેટમાં વિકાસના પડકારને હાંસલ કરવા સરકારે ઘણી બાબતોમાં રાજ્યો સાથે ભાગીદારી કરવાનું પસંદ કર્યું છે. અર્થાત્ ‘સબ કા વિકાસ’ સાથે ‘રાજ્યોં કા સાથ’ પણ જોઈશે.
કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ વધારવામાં આવી છે, તો બીજી બાજુ બિયાં (સીડ્સ) રિસર્ચ માટે નૅશનલ મિશન હાથ ધરવાનું નક્કી થયું છે. ખેડૂતોની આવક વધારવા બજેટે પાંચ વિઝન નક્કી કર્યાં છે. આ એક નવી સ્ટાઇલ કહી શકાય.
અર્બન ચૅલેન્જ ફન્ડ
એક મહત્ત્વની જાહેરાતમાં બજેટે આ વખતે રાજ્યોનો સહયોગ મેળવવા વધુ સઘન પ્રયાસ કર્યા છે એટલું જ નહીં, રાજ્યોને ૫૦ વર્ષ માટે વ્યાજમુક્ત લોન આપવાની તૈયારી પણ જાહેર કરી છે. એક સાવ નવી પહેલ તરીકે સરકારે શહેરી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અર્બન સેક્ટર રિફૉર્મ્સ દાખલ કર્યાં છે અને અર્બન ચૅલેન્જ ફન્ડ સ્વરૂપે એક લાખ કરોડ રૂપિયાના ફન્ડની જાહેરાત કરી છે.
કેટલાંક ધ્યાન ખેંચનારાં સ્ટેટમેન્ટ કે નિર્ણયો
ભારતીય દંડ સંહિતા શબ્દોના સ્થાને ભારતીય ન્યાય સંહિતા શબ્દ લાવીને એનો અભિગમ સકારાત્મક બનાવવાની નેમ રાખવામાં આવી છે.
ગુડ ગવર્નન્સ અને બીઇંગ રિસ્પૉન્સિવની જાહેરાત મહત્ત્વની ગણાય.
ટૅક્સ વિભાગને સૂત્ર અપાયું છે ‘ટ્રસ્ટ ફર્સ્ટ, સ્ક્રૂટિનાઇઝ લેટર.’ અર્થાત્ કરદાતાઓ પ્રત્યે પહેલાં વિશ્વાસ કરવાનો અભિગમ રાખો.
કરવિવાદો ઘટાડવા વિવિધ સરળીકરણના ઉપાય કરવામાં આવ્યા છે.
કંપનીઓના મર્જરની પ્રોસેસ ઝડપી બનાવાશે. કાનૂની અડચણમાં સુધારા થાય એ માટે વિવિધ જોગવાઈઓની નાબૂદી જેવાં કદમ. આમ બજેટનાં અનેકવિધ પગલાં ભારતને વિકસિત રાષ્ટ્રની દિશામાં લઈ જવામાં સહાયક બને એવાં કહી શકાય.
કરવેરા વિવાદથી લઈને KYC રાહત
કરવેરા બાબતે વિવાદ ઘટાડવાની અને રાહત આપવાની દિશામાં કદમ, રાજ્યો સાથે વિવિધ વિકાસનાં પગલાં માટે હાથ મિલાવવાની નોખી નીતિનાં કદમ જેવી અનેકવિધ બાબતો બજેટે સમાવી લઈને વિકાસના માર્ગમાં દેશના તમામ વર્ગને (ઇન્ક્લુઝિવનેસ) સમાવી લેવાનો અભિગમ રાખીને હાલમાં તો મહત્તમ સ્તરે આવકાર્ય પગલાં ભર્યાં છે. ગુડ ગવર્નન્સ, સરળીકરણ, ઈઝ ટુ ડૂ બિઝનેસ સહિત નો યૉર કસ્ટમર (KYC)ની જટિલ સમસ્યાના ઉકેલના નિર્ણય મારફત ઇન્વેસ્ટમેન્ટ જગતને મોટી રિલીફ આપી છે.
મૅન્યુફૅક્ચરિંગ મિશન અને લેબર ઇન્ટેન્સિવ
એક મહત્ત્વની જાહેરાતમાં સરકાર ઇનોવેશનને પ્રમોટ કરવા આ વિષયમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફન્ડ ફાળવવાનું નક્કી કર્યું છે. પ્રથમ વાર ત્રણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એક્સલન્સ સેન્ટરની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સટાઇલ્સ સેક્ટરને પણ નાણાપ્રધાને સારું એવું પ્રોત્સાહન આપવા ઉપરાંત જે આંખે ઊડીને વળગે એવું કામ કર્યું છે એ રોજગાર-સર્જન પર ફોકસ કરવાની દિશામાં લેબર ઇન્ટેન્સિવ કામકાજ-પ્રોજેક્ટસ-સેક્ટરને ખાસ મહત્ત્વ આપ્યું છે. નાણાપ્રધાને શૈક્ષણિક બાબતો સહિત રિસર્ચ અને ઇનોવેશન, યુવા ધન, નવાં સાહસો, અર્બન સેક્ટરના નાના કદના બિઝનેસને નવી રીતે પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે નૅશનલ મૅન્યુફૅક્ચરિંગ મિશન સ્થાપવાની વાત કરી છે. પ્રજામાં કહો કે લોકોમાં રોકાણ કરવાની વાતને પણ તેમણે નોખી નીતિ તરીકે હાથ ધરી છે. અર્થાત્ માનવબળમાં પણ રોકાણની કેવી જરૂર છે એનું પ્રતિબિંબ આ પગલાંઓમાં પડે છે. વીમા-સેક્ટરમાં FDIની મર્યાદા વધારીને આ સેક્ટર માટે પણ વિકાસની ગતિ ઝડપી બનાવવાનું લક્ષ્ય રખાયું છે.